Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ગુજરાતમાં આખા ભરેલા હોય તેવા માત્ર ર૪ ડેમો : સૌરાષ્ટ્રમાં ૪૪.૮૭% જળ જથ્થો

કુલ ર૦૩ પૈકી ૮૩ જળાશયોમાં રપ ટકાથી પણ ઓછુ પાણી : ૩૯ જળાશયોમાં રપ થી પ૦ ટકા જ પાણી

ગાંધીનગર, તા. ૭ :. ગુજરાતમાં ચોમાસુ પુરૂ થવાની તૈયારી છે તેવા સમયે સિંચાઈ અને પીવાના પાણી માટેના ડેમોમાં પાણીની સ્થિતિ સંતોષકારક નથી. રાજ્યમાં કુલ ૨૦૩ જળાશયો (ડેમો) છે. જેમાં કુલ જળસંગ્રહ શકિત ૨૯૪૦૯૯ એમસીએફટી છે. તે પૈકી અત્યારે ૫૨.૮૪ ટકા જ પાણી છે. આવતા દિવસોમાં વરસાદ ન થાય તો અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થશે. રાજ્યમાં ૨૦૩ પૈકી ૧૦૦ ટકા ભરેલા હોય તેવા જળાશયની સંખ્યા માત્ર ૨૪ છે. ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે જળજથ્થો ધરાવતા જળાશયોની સંખ્યા ૩૩ છે. ૫૦ થી ૭૦ ટકા વચ્ચે જળજથ્થો ૨૪ ડેમોમાં છે. ૨૫ થી ૫૦ ટકા વચ્ચેનું પાણી ૩૯ ડેમોમાં છે. ૮૩ ડેમો તો એવા છે કે જ્યાં કુલ સંગ્રહ શકિતના ૨૫ ટકાથી પણ ઓછુ પાણી છે. નર્મદા ડેમની સપાટી ૧૨૫ મીટર નજીક પહોંચી છે અને તેમાં કુલ સંગ્રહ શકિતના ૬૧ ટકા જેટલુ પાણી છે તે બાબત આશ્વાસન રૂપ છે.

સૌરાષ્ટ્રમાં બધા ડેમોનું મળી કુલ પાણી હોવુ જોઈએ તેના પ્રમાણમાં ૪૪.૮૭ ટકા છે. આ આંકડો ૩૧ મે એ ૧૩.૯૯ ટકા હતો. સૌરાષ્ટ્રમાં ૧૩૮ ડેમો આવેલા છે. પાણીની સૌથી વિકટ સ્થિતિ કચ્છમાં છે. જ્યાં ડેમોમાં કુલ સંગ્રહ શકિતના માત્ર ૧૨.૬૪ ટકા જ પાણી છે. ઉતર ગુજરાતના ૧૫ ડેમોમાં સરેરાશ ૩૪.૧૩ ટકા પાણી છે. મધ્ય ગુજરાતમાં ૬૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૧.૭૨ ટકા જળ જથ્થો છે. આ આંકડા આજની સ્થિતિ મુજબના છે. આવતા દિવસોમાં તેમા વધઘટ થઈ શકે છે.

(4:36 pm IST)