Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

આયુર્વેદની ૧૮ અને હોમીયોપેથીની ૨૦ કોલેજોને મંજુરી ન મળતા હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત

શૈક્ષણિક કાર્ય કયારે શરૂ થશે તે નક્કી નહિઃ સરકારને ઝાટકતા ડો. મનીષ દોશી

અમદાવાદ, તા. ૭ :. રાજ્યની ૨૭ આયુર્વેદ કોલેજોમાંથી ૧૮ કોલેજો અને ૩૩ હોમીયોપથી કોલેજોમાંથી ૨૦ કોલેજોને હજુ સુધી મંજુરી મળી નથી ત્યારે મંજુરીના અભાવે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામના ત્રણ મહિના બાદ પણ પ્રવેશ પ્રક્રિયામાં અનેક વિસંગતતા ઉભી થઈ છે. આયુર્વેદ અને હોમીયોપથી કોલેજોને સમયસર મંજુરી ના મળતા ગુજરાતના વિદ્યાર્થીઓ ૬૨,૦૦૦ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કેન્દ્રની ભાજપ સરકારનું આયુષ મંત્રાલય ગુજરાતની આયુર્વેદ અને હોમિયોપથી કોલેજોને મંજુરી ન આપીને ડોકટર બનવા માંગતા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તરાપ મારી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતુ કે, ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ છેલ્લા ૩ મહિનાથી આયુર્વેદ અને હોમિયોપથીમાં પ્રવેશ માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ કોલેજોને મંજુરી ના મળતા પ્રવેશ કમિટિ દ્વારા જે કોલેજોને મંજુરી નથી મળી તે કોલેજોને પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત રાખીને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

મેડીકલ બાદ વિદ્યાર્થીઓની પસંદગી આયુર્વેદ અને હોમિયોપથી હોય છે, પરંતુ બન્ને વિદ્યાશાખાની મોટાભાગની કોલેજોને મંજુરી ના મળતા હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યમાં હોમિયોપથીની ૩૨૨૫ સીટો છે. જેમાંથી ૧૧૦૦ સીટોને જ મંજુરી મળી છે. જ્યારે ૨૧૨૫ સીટોને મંજુરી ના મળતા પ્રવેશ અપાયો નથી. આયુર્વેદમાં ૧૮૨૦ સીટોમાંથી માંડ ૬૪૦ સીટોને જ મંજુરી મળી છે. જ્યારે ૧૭૮૦ બેઠકોને હજુ મંજુરી મળવાની બાકી છે. આમ મંજુરી ના મળવાના વાંકે હજારો વિદ્યાર્થીઓ હોવા છતાં પ્રવેશ આપી શકાતો નથી. કોલેજોમાં પુરતી સુવિધા છે કે નહિ તેની તપાસ કરીને મંજુરી અંગેની કામગીરી સમયસર પૂર્ણ થાય તે હજારો વિદ્યાર્થીઓના હિતમાં અને પ્રવેશ પ્રક્રિયા માટે પણ જરૂરી છે.

હોમિયોપથીની ૨૦ કોલેજો અને આયુર્વેદની ૧૮ કોલેજોને મંજુરી ના મળતા પેરા મેડીકલની પ્રવેશ પ્રક્રિયા પણ ખોરવાઈ છે કારણ કે આયુર્વેદ અને હોમીયોપથીમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પેરા મેડીકલમાં પ્રવેશ મળ્યો હોવા છતાં પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવતા નથી. જેના કારણે પ્રથમ રાઉન્ડમાં પેરા મેડીકલની સીટો પણ ખાલી રહી છે ત્યારે હવે પેરા મેડીકલમાં બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા આયર્વેદ અને હોમીયોપથી કોલેજોને મંજુરી મળ્યા બાદ જ શરૂ કરાશે. આમ આયુર્વેદ અને હોમીયોપથી કોલેજોને મંજુરી ના મળતા પેરા મેડીકલના બીજા રાઉન્ડમાં પણ વિલંબ થઈ રહ્યો છે, પરિણામે પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય કયારે શરૂ થશે તે પણ નિશ્ચિત થતુ નથી તેમ ડો. મનીષ દોશી જણાવે છે.(૨-૬)

(12:12 pm IST)