Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

હાર્દિકને હોસ્પિટલ ભેગો કરવાનું ષડયંત્ર

પાણી છોડી સરકાર ઉપકાર નથી કરતી : નર્મદાનું પાણી ખેડૂતો માટેનું છે : ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી : મનોજ પનારા

અમદાવાદ તા. ૭ : પાસ સુપ્રિમો હાર્દિક પટેલના ઉપવાસ મામલે રાજયમાં રાજકારણ ગરમાયું છે. હાર્દિક ઉપવાસના મામલે અનેક રાજકારણીઓથી લઇને પાસ દ્વારા વિવિધ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ પાસના કન્વીનર મનોજ પનારાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું કે સરકાર હાર્દિકને હોસ્પિટલમાં મોકલવા ઇચ્છે છે. અમે આપેલા ૨૪ કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થયું છે, આથી હાર્દિકે ગઇ મોડી સાંજથી પાણીનો ત્યાગ કર્યો છે.

પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે અમે સરકારને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે ગઇકાલે પૂર્ણ થાય છે. હાર્દિક પટેલે જાહેર કર્યા પ્રમાણે જળત્યાગ કર્યો છે. અમને લાગી રહ્યું છે કે સરકાર હાર્દિકને હોસ્પિટલાઇઝ કરવા ઇચ્છે છે. ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. તો મનોજ પનારાએ ઉર્જામંત્રી સૌરભ પટેલને કહ્યું કે તમારું ખાતું નથી છતા તમે કેમ નિવેદનો આપો છે? કૃષીમંત્રી કેમ કોઇ નિવેદન આપતાં નથી?

તો બીજી બાજુ જયારે મનોજ પનારા પત્રકાર પરિષદ યોજી રહ્યાં હતા ત્યારે રાજય સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહએ ગાંધીનગરથી જાહેરાત કરી કે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રની કેનાલોમાં નર્મદાનું પાણી છોડાશે. પત્રકારોએ તાત્કાલિક આ અંગે મનોજ પનારાને સવાલ કર્યો હતો કે, રાજય સરકારે પાણી છોડવાની જાહેરાત કરી છે, તમે શું કહેશો, તો જવાબમાં મનોજ પનારાએ જણાવ્યું કે પાણી છોડી સરકાર કોઇ ઉપકાર નથી કરતી, નર્મદાનું પાણી ખેડૂતો માટે છે.(૨૧.૭)

(12:11 pm IST)