Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ભારત બંધ : અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં અસર નહી

સુરત સહિત એકાદ બે સ્થળે છૂટાછવાયા બનાવો : લોકોએ સ્વેચ્છાએ બંધમાં જોડાવવા માટે ટાળ્યું અને બંધથી અળગા રહ્યા : બંધનો ગુજરાતમાં કોઇ પ્રભાવ નહીં વર્તાયો

અમદાવાદ, તા.૬ : અનુસૂચિત જાતિ-જનજાતિ(એસસી-એસટી)સંશોધન અધિનિયમ વિરુદ્ધ સવર્ણ સંગઠનો દ્વારા આજે ભારત બંધના એલાનની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજના ભારત બંધના એલાનની કોઇ ખાસ અસર જોવા મળી ન હતી. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજયમાં બધુ જનજીવન રાબેતામુજબ જોવા મળ્યું હતું. સુરત સહિતના એકાદ બે સ્થળોએ છૂટાછવાયા વિરોધની ઘટનાને બાદ કરતાં એકંદરે ભારત બંધની કોઇ અસર કે પ્રભાવ ગુજરાતમાં વર્તાયો ન હતો. જોકે અમદાવાદ શહેરમાં ભારત બંધની કોઇ અસર આ લખાય છે ત્યારે જોવા મળી નથી. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટીને એસસી-એસટી એક્ટમાં સંશોધન કરી મૂળ સ્વરૂપે લાગુ કરવાના વિરોધમાં આજે સર્વણ સમુદાયે ભારત બંધનું એલાન આપ્યું હતું. જો કે, ગુજરાતભરમાં તેની કોઇ ખાસ અસર જોવા મળી ન હતી. જો કે, સુરતમાં પાંડેસરા ખાતે સવર્ણ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે આ વિરોધ પ્રદર્શન પહેલાં પાંચ દેખાવકારોની અટકાયત કરી લેતાં મામલો થાળે પડયો હતો. પાંડેસરામાં આવેલી તેરેનામ ચોકડી પાસે સવર્ણ સમાજના લોકો દ્વારા સ્થાનિક દુકાનો બંધ કરાવતા વિવાદ વકર્યો હતો અને પોલીસે તાત્કાલિક પગલાં ભરવા પડ્યા હતા. જેમાં પોલીસે ૫ાંચ દેખાવકારોની અટકાયત કરી હતી. આ પછી પરિસ્થિતિ સામાન્ય બની હતી અને જનજીવન રાબેતા મુજબ ફરીથી શરૂ થયું હતું. તો, બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભારત બંધના એલાન છતાં વહેલી સવારથી સ્કૂલો, કોલેજો, બેન્કો સહિત તમામ ઓફિસો અને દુકાનો રાબેતા મુજબ ચાલી રહ્યાં હતાં. બંધનું એલાન સવર્ણ સમાજ, કરણી સેના તેમજ કેટલાંક અન્ય સંગઠનો દ્વારા આપવામાં આવ્યું હતું. લોકો તેમાં સ્વેચ્છાએ જોડાયા ન હતા અને બંધથી અળગા રહ્યા હતા.  સુપ્રીમ કોર્ટે એસસી તેમજ એસટી એક્ટમાં માર્ચ મહિનામાં કેટલાક ફેરફાર કર્યા હતા. જેને લઇને દલિતોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો અને સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનો ભારે વિરોધ થયો હતો.

દલિતો દ્વારા કરવામાં આવેલા વિવાદ બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફેરવી નાખવામાં અને કાયદાને અગાઉ હતો તે મુજબ મુળ સ્વરૂપે લાગુ કરી દેવામાં આવ્યો હતો. જેથી હવે સવર્ણોમાં ભારે રોષ જોવામળી રહ્યો છે. આ મામલે સવર્ણના વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

(8:08 pm IST)