Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ટુ વ્હીલર માટે પાર્કિંગ જાહેરાત કાગળ ઉપર રહેતા ફરી વિવાદ

ફ્રી પાર્કિંગના કન્સેપ્ટને અમલી ન બનાવાયો : ફ્રી પાર્કિંગની જાહેરાત છતાં પ્રહલાદનગર ગાર્ડન પાસેના પે એન્ડ પાર્કમાં જૂના ઠરાવ મુજબ જ પાર્કિંગ ફી વસુલાઈ

અમદાવાદ, તા.૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા ઘણીવાર નાગરિકોને આકર્ષવા અથવા તો કોઇ વિવાદ કે ઝુંબેશ ટાણે કહેવા ખાતર મસમોટી એક અથવા બીજા પ્રકારની જાહેરાત કરાતી છે. જે પૈકી કેટલીક જાહેરાત તો સાવ બોદી એટલે કે માત્ર 'કાગળ' પર જ રહી જતી હોય છે. જેમાં તાજેતરમાં જ ટુ વ્હીલર માટે પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવાની અમ્યુકો સત્તાધીશોની જાહેરાત માત્ર કાગળ પર જ રહેતાં એક નવો વિવાદ સર્જાયો છે. આમાં અમુક મામલે તો સત્તાધીશોની બલિહારીથી સંબંધિત તંત્ર કે વિભાગ સુધી જાહેરાત પહોંચતી જ નથી. પરિણામે તા.૧૩ ઓગસ્ટથી તા.૧૩ સપ્ટેમ્બર સુધી નવા પે એન્ડ પાર્કમાં ફ્રી પાર્કિંગ અમુક પે એન્ડ પાર્કમાં ખરા અર્થમાં અમલમાં મુકાતું નથી. તંત્ર દ્વારા નાગરિકોને વધુને વધુ વાહનોનાં પાર્કિંગની વ્યવસ્થા માટે ઓન સ્ટ્રીટ ર્પાકિંગ ઉપરાંત નવા પે એન્ડ પાર્ક ઊભા કરાઇ રહ્યા છે. આ નવા પે એન્ડ પાર્કમાં ગત તા.૧૬ ઓગસ્ટથી તા.૧૩ સપ્ટેમ્બર સુધી એટલે કે ફ્રી પાર્કિંગની જાહેરાત કરાઇ હતી કે નવા પે એન્ડ પાર્કમાં સમાન દરથી પાર્કિંગના ચાર્જ વસૂલવા માટે વિધિવત્ ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રાક્ટર નિમવાની પ્રક્રિયા આરંભવાની થતી હતી. જોકે પ્રહ્લાદનગર ગાર્ડન પાસેના પે એન્ડ પાર્કનાં હાલનાં સંચાલન પાસે અગમ્ય કારણસર તંત્રની એક મહિના સુધી ફ્રી પાર્કિંગની જાહેરાત પહોંચી ન હોઇ ત્યાં સ્ટેન્ડિંગ કમિટીના જૂના ઠરાવ મુજબ પાર્કિંગ ફી વસૂલાતી હોવાનો વિવાદ ઊઠ્યો છે. આ અંગે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફિસર પરેશ પટેલને પૂછતાં તેઓ કહે છે, પ્રહ્લાદનગર ગાર્ડન પાસેના પે એન્ડ પાર્કમાં વસૂલાતો ર્પાકિંગ ચાર્જનો મામલો મારા ધ્યાનમાં આવ્યો નથી. એટલે હું તત્કાળ તેની તપાસ કરાવીશ. ફ્રી પાર્કિંગની જાહેરાત છતાં પ્રહલાદનગર ગાર્ડન પાસેના પે એન્ડ પાર્કમાં જૂના ઠરાવ મુજબ પાર્કિંગ ફી વસૂલાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

(7:23 pm IST)