Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ગાયકવાડી શાસનકાળથી વ્‍યાયામનોવારસો ધરાવનાર વડોદરાની ૬ યુવતિઓ અને ૬ યુવકો ૩૬ મી નેશનલ ગેમ્‍સમાં મલખંભમાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરશે

વડોદરાના એક સાથે ૧ર ખેલાડીઓની પસંદગી થતા હરખની હેલી

વડોદરાઃ વડોદરાની ૬ યુવતિઓ અને ૬ યુવકો ૩૬ મી નેશનલ ગેમ્‍સમાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરીને મલખંભમા ઉત્‍કૃષ્‍ઠ પ્રદર્શન કરશે.

વડોદરાને વ્યાયામ નો વારસો ગાયકવાડી શાસનકાળ થી મળ્યો છે.શહેરમાં આજે પણ એકાદ સદી જૂના અખાડા પુરાતન વારસાને જાળવવા સાથે વ્યાયામની આધુનિક સુવિધાઓ સાથે ધમધમી રહ્યાં છે. દેશ આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યું છે ત્યારે ગર્વ લેવા જેવી વાત એ છે કે આ વ્યાયામ શાળાઓમાં સયાજી મહારાજની કુણી લાગણીથી અંગ્રેજોના વિરોધની પ્રવૃત્તિઓ પણ થતી હતી. પુરાણી બંધુઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા.

વડોદરાના એ ઉજળા વ્યાયામ વારસાનો એક અમૂલ્ય હિસ્સો છે મલખંભની રમતમાં આજે આ રમતના કદાચ દેશના શ્રેષ્ઠ રમતવીરો વડોદરાની વ્યાયામ શાળાઓમાં ઘડાય છે. તેથી જ આ વર્ષે પહેલીવાર ગુજરાતમાં રમાનારી 36 મી નેશનલ ગેમ્સમાં મલખંભનો સમાવેશ વ્યાયામ નગરી વડોદરા માટે હર્ષ,આનંદ અને ગૌરવની ઘટના છે. એના થી અદકેરા આનંદની વાત એ છે કે 36 મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની જે મલખંભની ટીમ મેદાનમાં ઉતારવાની છે એ માટે પસંદ થયેલા છોકરા અને છોકરીઓ ની ટીમના તમામ રમતવીરો વડોદરાના છે. હાલમાં શહેરમાં યોજાયેલી ગુજરાતની ટીમની પસંદગી માટેની સ્પર્ધાઓ માં છોકરાઓ ની ટીમ માટે તમામ 6 અને છોકરીઓની ટીમ માટે તમામ 6 મળીને કુલ બારેબાર ખેલાડીઓ વડોદરાવાસી છે જે અભૂતપૂર્વ તો છે જ સાથે આ રમતમાં વડોદરાની નીપુણતા ની ધાક બેસાડે છે. ગુજરાત પહેલીવાર આ રાષ્ટ્રીય રમતોત્સવનું યજમાન બન્યું છે. આ 36 માં રમતોત્સવમાં 36 રાજ્યો અને સંઘ પ્રદેશોના ખેલાડીઓ 36 રમતોમાં પદકો જીતવા મેદાને પડવાના છે.

અમે મલખંભને રાષ્ટ્રીય રમતોત્સવમાં સમાવી લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દિલથી આભાર માનીએ છે એવી લાગણી વ્યક્ત કરતા ગુજરાત રાજ્ય મલખંભ મંડળના સચિવ રાહુલ ચોકસીએ જણાવ્યું હતું કે જીમ્નાસ્ટીક અને યોગ વિદ્યાના સમન્વય જેવી આ રમતને વડોદરાએ ચેતનવંતી રાખી છે.નેશનલ ગેમ્સમાં તેના અને યોગાસનના સમાવેશ થી ખેલાડીઓ અને મંડળો ખૂબ પ્રોત્સાહિત અને આનંદિત થયાં છે. એક દિવસની ટીમ પસંદગીની પ્રક્રિયામાં વડોદરા અને દાહોદની વ્યાયામ સંસ્થાઓના 50 મલખંભ નિપુણ ખેલાડીઓ એ ભાગ લીધો જેમાંથી છોકરા અને છોકરીઓની ટીમ પસંદ કરવામાં આવી છે જે ટીમ ગુજરાત તરીકે ઉપરોક્ત રમતોત્સવમાં હરીફાઈ કરશે. તેમાં સમાવેશ થી હવે આ આગવી સ્વદેશી રમતને આંતર રાષ્ટ્રીય રમતોત્સવ સુધી પહોંચાડવા નો માર્ગ ખુલ્યો છે. ચોકસીની મલખંભ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ,આ રમતની સ્પર્ધા માટે ટેકનિકલ ડાયરેક્ટર તરીકે પસંદગી કરી છે એ પણ વડોદરા માટે ગૌરવની વાત છે. તેમણે આ રમતને રાષ્ટ્રીય ઓળખ આપવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાતના ખેલ મંત્રી હર્ષ સંઘવીને પણ બિરદાવ્યા છે. પસંદ થયેલી છોકરીઓની ટીમમાં હેની શાહ,એકતા મિસ્ત્રી,નૂપુર બારોટ,ખુશી પટેલ,દિયા જોશી અને નેત્રા બારોટનો અને છોકરાઓની ટીમમાં પાર્શ્વ રાણા,મીનળ વાઘ,શૌર્યજીત ખૈરે,હિરેન કુલકર્ણી,અથર્વ જોગલેકર અને રૂદ્ર રાજપૂતનો સમાવેશ થાય છે. હવે આ ખેલાડીઓને જુમ્માદાદા વ્યાયામશાળા ખાતે સઘન તાલીમ આપવામાં આવશે.

છોકરાઓ ની ટીમમાં પસંદ થયેલો પાર્શ્વ રાણા કહે છે કે આ રમતમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની મળેલી તકથી હું ખૂબ ઉત્સાહિત અને આનંદિત થયો છું. અમે ગુજરાતને વિજેતા બનાવવા ખૂબ પરિશ્રમ કરીશું અને આ રમતને રાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવવાનો અમારો સંકલ્પ છે.આ ઘટના થી પોતાના બચ્ચાઓને મલખંભ રમવા પ્રોત્સાહિત કરતા વાલીઓ અને રમતના પ્રશિક્ષકો પણ ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યાં છે. વડોદરાની વ્યાયામ પ્રવૃત્તિની શાન મલખંભ છે અને તેને વધુ શાનદાર,જાનદાર અને વ્યાપક બનાવવા સૌ સંબંધિતો સંકલ્પબદ્ધ છે.

(4:47 pm IST)