Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

વડોદરાના વાડી વિસ્‍તારના રંગ મહાલના રોડ ઉપર ૩ માળનું જર્જરીત મકાન તૂટી પડ્યુઃ એકને ઇજાઃ ૪ ટુ-વ્‍હીલર કાટમાળમાં દાટઇ ગયા

ઘટાડો સાંભળીલને લોકો બહાર દોડી ગયા

વડોદરાઃ વડોદરામાં ૩ માળનું જર્જરીત મકાન ધરાશાયી થતા દોડધામ મચી ગઇ હતી. વડોદરા શહેરના વાડી વિસ્તારના રંગમહાલમાં મુખ્યમાર્ગ ઉપર આવેલ ત્રણ માળનું જર્જરિત મકાન સવારે ધડાકાભેર ધરાશાયી ગયું હતું. મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઇ હતી. મુખ્યમાર્ગ ઉપર આવેલી દુકાનોના કર્મચારીઓ ધડાકો સાંભળી દુકાનની બહાર નીકળી ગયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે ચાર જેટલા ટુ-વ્હીલર કાટમાળ નીચે દટાઇ ગયા હતા.

વાડી રંગમહાલમાં મુખ્યમાર્ગ ઉપર ત્રણ મજલી જર્જરિત મકાન હતું. આ મકાનના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દૂધની દુકાન હતી. ત્રણ મજલી આ મકાન એકાએક ધડાકા સાથે ધરાશયી થતાં દૂધની દુકાનમાં કામ કરી રહેલા દુકાન, કર્મચારીઓ સહિત આ રોડ ઉપર આવેલી દુકાનોના દુકાનદારો, કર્મચારીઓ દુકાન બહાર દોડી આવ્યા હતા. પ્રચંડ ધડાકા સાથે મકાન ધરાશયી થતાંની સાથે વિસ્તારના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા.

બીજી બાજુ આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. તે સાથે 108 એમ્બ્યુલન્સ, વીજ કંપનીની ટીમ અને પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો. જોકે, ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર પહોંચે તે પહેલાં આ ઘટનામાં સામાન્ય ઇજાગ્રસ્ત વ્યક્તિ સ્થાનિક દવાખાને પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડના લાશ્કરોએ કાટમાળ નીચે કોઈ દબાઇ ગયું છે કે નહીં તે અંગેની કામગીરી શરૂ કરી હતી. જોકે, કાટમાળ નીચેથી કોઇ મળી આવ્યું ન હતું. નોંધનીય છે કે, આ મકાનમાં કોઇ રહેતું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઇ હતી

વાડી રંગમહાલમાં મકાન ધરાશાયી થતાં પોલીસ દ્વારા વાડી ટાવરથી વાડી રંગમહાલ તરફનો રસ્તો સાવચેતીના ભાગરૂપે બંધ કરી દીધો હતો. વીજ કંપની દ્વારા પણ વાડી રંગમહાલ વિસ્તારનો સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. નોંધનીય છે કે, વડોદરા શહેરમાં વાડી સહિત શહેરના જુના વિસ્તારોમાં વર્ષો જૂના અનેક મકાનો આવેલા છે. જે મકાન માલિકોને કોર્પોરેશન દ્વારા મકાનો ઉતારી લેવાની નોટીસો પણ આપવામાં આવી છે. પરંતુ, મકાન માલિકો ગંભીરતાથી લેતા નથી.

(3:28 pm IST)