Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

સુરત મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના દિવસે મહિલાઓ અને ૧પ વર્ષના બાળકોને સીટી અને બીઆરટીએસ બસમાં વિનામૂલ્‍યે મુસાફરીની સુવિધા

ભાઇને મળવા સરળતાથી વિનામૂલ્‍યે જઇ શકે તે માટે સુવિધા

સુરત : સુરત કોર્પોરેશન દ્વારા રક્ષાબંધનના દિવસે મહિલાઓ અને ૧પ વર્ષના બાળકોને વિનામૂલ્‍યે સીટી અને બીઆરટીએસ બસમાં ફરવા મળશે.

આગામી દિવસોમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના તહેવારને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના ઘરે જઈને રક્ષાબંધનનો તહેવાર ઉજવતી હોય છે. આવામાં અનેક બહેનો એવી છે જેમના ભાઈ દૂર રહેતા હોય છે અને તેમને બસ મુસાફરી કરીને ભાઈના ઘર સુધી જવુ પડે છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધનના દિવસે મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્ય સિટી અને બીઆરટીએસ બસની મુસાફરીનો નિર્ણય લેવાયો છે. 

દર વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. રક્ષાબંધનના દિવસે મહિલાઓ શહેરમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રહેતા તેમના ભાઈઓના ઘરે જતી હોય છે. ખાનગી વાહનમાં જાય તો તેમને ખર્ચ થતો હોય છે. જેથી રક્ષાબંધનનો તહેવાર મહિલાઓ ખૂબ જ આનંદથી ઉજવે અને તેઓ પોતાના ભાઈને મળવા માટે સરળતાથી જઈ શકે તેના માટે કોર્પોરેશન દ્વારા શહેરની તમામ મહિલાઓ માટે સિટી બસ અને બીઆરટીએસ બસની એક દિવસ માટેની મુસાફરી વિનામૂલ્યે કરવાની જાહેરાત કરી છે. 

આ નિર્ણય અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે કોરોનાકાળ બાદ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો માટે અમે ખાસ આગ્રહ રાખે છે કે તેઓ પોતાના ભાઈના ઘરે શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે. તેમને ખર્ચ ન થાય તેના માટેની સુવિધા કરવી જરૂરી છે. સંપૂર્ણ એક દિવસ માટે રક્ષાબંધનના દિવસે મહિલાઓ અને તેમના બાળકો જેમની ઉંમર 15 વર્ષ સુધીની છે. તેમણે એક પણ રૂપિયો ચૂકવ્યા વગર કોર્પોરેશનના માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. આનંદ સાથે જણાવજો કે લાખોની સંખ્યામાં મહિલાઓ આ દિવસે સિટી બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ કરે છે અને આ નિર્ણયનો લાભ લે છે.

(2:50 pm IST)