Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

અત્‍યારે દેશમાં આર્થિક, સામાજીક અને રાજકીય ધૃવિકરણનું વાતાવરણ પ્રવર્તે છે અને સમાજ જાણે છે બે ભાગમાં વહેંચાઇ રહ્યો છેઃ સુપ્રિમ કોર્ટના જજ ડો. ચંદ્રચુડએ ચિંતા વ્‍યકત કરી

ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં ૧૧ મો દિક્ષાંત સમારોહ યોજાયો

ગાંધીનગરઃ ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં ૧૧ મો દિક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં સુપ્રિમ કોર્ટના જજ ડો. ચંદચુડએ આજના સમયવિશે વાત કરી હતી.

દેશની પ્રતિષ્ઠિત ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં યોજાયેલા અગિયારમો દીક્ષાંત સમારોહમાં સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ અને જીએનએલયુના વિઝિટર ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડના હસ્તે કુલ 247 વિદ્યાર્થીઓને એલએલએમ, એલએલબી, એમબીએ, ડોક્ટરલ અને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જજ ડો. ચંદ્રચુડએ ચિંતા વ્યક્ત કરી કહ્યું હતું કે, અત્યારે દેશમાં આર્થિક, સામાજિક અને રાજકીય ધૃવિકરણનું વાતાવરણ પ્રવર્તે છે અને સમાજ જાણે બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે.

GNLU એ 2020 માં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવા માટે આ કોન્વોકેશનનું આયોજન કર્યું હતું. કોવિડ રોગચાળાને કારણે દીક્ષાંત સમારોહ અગાઉ યોજાઈ શક્યો ન હતો. ત્યારે વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલ દીક્ષાંત સમારોહને બદલે પ્રત્યક્ષ સમારોહમાં તેમની ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હતા. જેનાં પગલે GNLU દ્વારા 11 માં દીક્ષાંત સમારોહનું આયોજન કરીને કુલ 247 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

જે અન્વયે પાંચ વર્ષના સંકલિત એલએલબી પ્રોગ્રામના 171 વિદ્યાર્થીઓ, એલએલએમ પ્રોગ્રામના 61 વિદ્યાર્થીઓ, એમબીએ પ્રોગ્રામના 12 વિદ્યાર્થીઓ અને ડોક્ટરલ પ્રોગ્રામના ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પીએચડીની પદવી મેળવનારમાં 1991 બેચના કેરલા કેડરના આઈ.આઈ.એસ. અધિકારી ડો. રાજૂ નારાયણ સ્વામિનો પણ સમાવેશ થાય છે. જ્યારે વિવિધ વિષયોમાં શૈક્ષણિક પ્રદર્શન માટે 16 વિદ્યાર્થીઓને 27 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યાં હતા. જેમાંથી 15 મેડલ આઠ વિદ્યાર્થીનીઓએ મેળવ્યા હતા. બીબીએ એલએલબી પ્રોગ્રામની સિમરન જૈનને સર્વાધિક ચાર ગોલ્ડ મેડલ મળ્યા હતા.

(2:45 pm IST)