Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાજ્યમાં ગૂમ તથા અપહરણ થયેલ બાળકોને શોધવા અંગેની કામગીરીની સમીક્ષા-મીટિંગ કરતા ડીજીપી આશિષ ભાટીયા

ઓબ્ઝર્વેશન હોમ તેમજ ચાઇલ્ડ કેર હોમમાં પણ તપાસ કરવા તમામ અધિકારીઓને નિર્દેશ

અમદાવાદ : આશીષ ભાટીયા, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજયના અધ્યક્ષસ્થાને ગુમ તથા અપહરણ થયેલ બાળકોને શોધવા અંગેની કામગીરીની સમીક્ષા માટે મીટીંગનું આયોજન કરવામાં આવેલ. આ મીટીંગમાં વર્ષ-૨૦૦૭ થી ૨૦૨૦ દરમ્યાન ગુમ તથા અપહરણ થયેલ બાળકોને શોધવા માટે થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ. જેમાં કુલ-૪૬,૪૦૦ ગુમ તથા અપહરણ થયેલ બાળકો પૈકી, કુલ- ૪૩,૭૮૩ બાળકો પરત મળી આવેલ છે અને કુલ-૨૬૧૭ બાળકો શોધવાના બાકી રહેલ છે. જેથી બાળકો શોધવાની ટકાવારી ૯૪.૩૬ ટકા છે.

  રાજયના મોટા શહેરો જેવા કે, અમદાવાદ શહેર, સુરત શહેર, ભરૂચ, મહેસાણા, દાહોદ, ગોધરા વગેરે જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં બાળકો ગુમ તથા અપહરણ થયેલ હોવાનુ ધ્યાને આવેલ છે. જેથી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સુચના મુજબ ૦ થી ૧૮ વર્ષની ઉંમરના ગુમ થયેલ બાળકોને શોધવા માટે તા.૦૬/૦૮/૨૦૨૦ થી ૨૦/૦૮/૨૦૨૦ સુધી કુલ-૧૫ દિનની સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેર તથા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ઉપરાંત એન્ટી હ્રયુમન ટ્રાફિકીંગ યુનિટ (AHTU), C.C.B., D.C.B., P.C.B., S.O.G., તથા મીસીંગ સેલના તમામ સંવર્ગના અધિકારીશ્રીઓને પણ અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ છે.  ઉપરાંત ગુમ તથા અપહરણ થયેલ બાળકોને શોધવા માટે ઓબ્ઝર્વેશન હોમ તેમજ ચાઇલ્ડ કેર હોમમાં પણ તપાસ કરવા તમામ અધિકારીશ્રીઓને જણાવવામાં આવેલ છે.
સમગ્ર રાજયમાં ગુમ તથા અપહરણ થયેલ બાળકોને શોધવા માટેની આ સ્પેશ્યલ ડ્રાઇવ દરમ્યાન થયેલ કામગીરીની સમીક્ષા, સ્પેશ્યલ ડ્રાઇવ પૂર્ણ થયા બાદ પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજયની કચરીએથી કરવામાં આવશે.

(8:56 pm IST)