Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

૯૦ લાખ ઈમ્પેક્ટ ફી લઈને શ્રેયનું બાંધકામ નિયમિત કરાયું

આગમાં આઠનો ભોગ લેનારી હોસ્પિટલની પોલંપોલ : હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાની જાણકારી સામે આવ્યા બાદ હવે વધુ એક ખુલાસો થયો

અમદાવાદ, તા. ૭ : શહેરીજનો બે વખત ઘવાયા છે. પહેલીવાર હોસ્પિટલો દ્વારા કારણકે તેઓ ફાયર અને સ્ટ્રક્ચરલ સેફ્ટીના ઓડિટ બાબતે ગંભીર નથી અને ત્વરિત પગલાં નથી ભરતા. બીજી વખત સરકાર દ્વારા કારણકે મૂળભૂત ફાયર સેફ્ટીનું ચેકિંગ થાય છે કે નહીં તે સુનિશ્ચિત કરતા નથી. તાજેતરમાં જ બનેલી શ્રેય હોસ્પિટલની ઘટનાની વાત કરીએ તો અહીં આગના કારણે ૮ દર્દીઓના ગૂંગળાઈને મોત થયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના સૂત્રોએ દાવો કર્યો છે કે, ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ, ૨૦૧૧ મુજબ હોસ્પિટલનું બાંધકામ ૯૦ લાખ રૂપિયા ફી લઈને નિયમિત કરાયું હતું. શહેરની ૧.૩૯ લાખ પ્રોપર્ટી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ તેમજ પાર્કિંગની જગ્યાની ઉપલબ્ધિ જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને નિયમિત કરાઈ હતી, તેમાંથી એક શ્રેય હોસ્પિટલ પણ હતી.

           સ્ટ્રક્ચરલ સેફ્ટી ક્યારેય ચિંતાનો વિષય રહી નહોતી. ત્યારે પ્રશ્ન એ ઉઠે કે શ્રેય હોસ્પિટલ જેવી દુર્ઘટના થતી રહે તો બાંધકામ નિયમિત કરીને ફાયદો પણ શું છે? શ્રેય હોસ્પિટલમાં ફાયર હાયડ્રન્ટ સિસ્ટમ (આગ ઓલવવા માટે પાણીની મોટી પાઈપ) નહોતી, દરેક માળે માત્ર ફાયર એક્સટિંગ્વિસર મૂકેલા હતા. ઉપરાંત શ્રેયનો સમગ્ર માર્જિન એરિયા કેન્ટિન માટે ઉપયોગમાં લેવાયો હતો, જે ખરેખર તો બચાવ કામગીરી માટેનો પેસેજ હોવો જોઈએ. બચાવ કામગીરી માટે કોઈ વધારાની સીડી નહોતી કારણકે તે બનાવવા માટે જગ્યા જ નહોતી. એસીડક્ટમાં ફ્લોર સપ્રેશન નહોતું મતલબ કે, ઝેરી ધુમાડો ડક્ટ દ્વારા બીજા ફ્લોર પર સરળતાથી જઈ શકે છે. સાથે જ બિલ્ડિંગનો મોખરાનો ભાગ કાચનો બનેલો હતો જેના કારણે ફાયર વિભાગના કર્મચારીઓનું કામ વધી ગયું.

(7:30 pm IST)