Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

પેટા ચૂટંણીમાં ત્રણ બેઠકો ભાજપ માટે માથાનો દુઃખાવો

સીઆર પાટીલ તમામ બેઠકનું જાત નિરીક્ષણ કરી રહ્યા છે : આગામી દિવસોમાં આઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી બેઠકો ખાલી પડી

ગાંધીનગર, તા. ૭ : રાજ્યમાં આગામી દિવસોમાં આઠ બેઠક પર પેટા ચૂંટણ યોજાનાર છે. આવા સંજોગોમાં નવા બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તમામ બેઠકનું જાત નિરીક્ષણ કરી રહ્યા છે. આઠ બેઠક પૈકીની ડાંગ બેઠક પર મંગળ ગાવિતને મનાવવા પ્રયાસ ચાલી રહ્યા છે. અન્ય બે સીટ પર ભાજપ પોતાના જૂના જોગીઓને મેદાને ઉતારવા પ્રયાસ કરી રહ્યું છે. જો જૂના જોગીઓને ટિકિટ આપે તો કેટલાક વર્તમાન મંત્રીઓના પત્તા કપાઈ શકે છે. રાજ્ય સભાની ચૂંટણી પહેલા પાંચ બેઠક પરથી રાજીનામું આપનાર ધારાસભ્યોએ ભગવો ધારણ કરી લીધો છે. આ તમામની ટિકિટ પાક્કી માનવામાં આવી રહી છે. આ સિવાયની ત્રણ બેઠક પર પેચ ફસાયેલો છે. આ પાછળનું કારણ મંત્રીમંડળ હોવાનું કહેવામાં આવે છે. આ ત્રણ બેઠકની વાત કરીએ તો ગઢડા બેઠક પરથી રાજીનામું આપનાર ઉમેદવાર પ્રવીણ મારુ ભાજપમાં ભળ્યા નથી. આથી તેમના સ્થાન પર આત્મારામ પરમાર ટિકિટ માટે પ્રયાસ કરી રહ્યા છે.

            ભાજપનું એક જૂથ તેમને ટિકિટ આપવાનું મન બનવી ચુક્યું છે. જો તેઓ ચૂંટણી જીતે તો તેમને મંત્રી મંડળમાં સ્થાન આપવું જરૂરી બની જાય છે. આથી ટિકિટ આપે તો પણ મંત્રી મંડળમાં વાંધા પડવાની શક્યતા રહેલી છે. કારણ કે સરકારના મંત્રી સૌરભ પટેલ પણ એ જ જિલ્લામાંથી ચૂંટણી જીતીને આવી રહ્યા છે. આથી એક જ જિલ્લાના બે ધારાસભ્યને મંત્રી તરીકે રાખવા શક્ય નથી. રાજ્યના ઘણા એવા જિલ્લા છે જેને સરકાર કે સંગઠનમાં સ્થાન મળ્યું નથી. આવી જ સ્થિતિ સુરેન્દ્રનગરની છે. કારણ કે લિંબડી બેઠક પર કિરિટસિંહ રાણાને ટિકિટ આપવા પાર્ટી વિચારણા કરી રહી છે. પરંતુ જો તેમને ટિકિટ આપે તો તેમને પણ મંત્રી મંડળમાં સ્થાન આપવું પડી શકે છે. જેથી કેટલાક ક્ષત્રિય નેતાઓને આ બાબત સાથે વાંધો હોય શકે છે. આથી તેમને ટિકિટ આપવી કે નહીં તેની વિચારણા ચાલી રહી છે. બીજી તરફ એક જૂથ તેમને ટિકિટ ન મળે તે માટે પ્રયાસો કરી રહ્યું છે. ડાંગ બેઠકમાં પણ ભાજપનો પેચ ફસાયેલો છે. કારણ કે રાજીનામું આપનાર મંગળ ગાવિત હજી સુધી ભાજપમાં જોડાયા નથી. એ વિસ્તારમાં તેમનું પ્રભુત્વ સારું છે. એટલે જ ભાજપ એ પ્રયાસમાં છે કે કોઇપણ સંજોગોમાં તેમને ભાજપમાં ભેળવી દેવા. એટલા માટે જ વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ મંગળ ગાવિત સાથે મુલાકાત પણ કરી હતી. જોકે, મંગળ ગાવિત હજી માન્યા નથી.

(7:23 pm IST)