Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

સુરતમાં વૃદ્ધાને વાતમાં ફોસલાવી હાથ પગની કસરત કરાવવાના બહાને ભેજાબાજે 1.20 લાખની બંગડી સેરવી લીધી

સુરત : ગોપીપુરા પોલીસ ચોકીની ગલીમાં લલ્લુજી મહારાજની હવેલી નજીક સુરભી એપાર્ટમેન્ટમાં રહેતા શારદાબેન પરભુદાસ ઠક્કર (ઉ.વ. 85) ગત રોજ બપોરના દોઢ વાગ્યાના અરસામાં નણંદ હસુમતી કારીયા (ઉ.વ. 80) અને પુત્રી સુધા (ઉ.વ. 65) સાથે ઘર નજીક બાકડા પર બેઠા હતા. ત્યારે એક અજાણ્યો યુવાન આવ્યો હતો અને તે તેઓનો સંબંધી હોવાનું કહી વાતચીત શરૃ કરી હતી. ત્યાર બાદ પોતે બાબુભાઇનો નાનો ભાઇ છે એમ કહેતા શારદાબેન યુવાનને પોતાના ઘરે ચા-નાસ્તા માટે લઇ ગયા હતા. જયાં યુવાને પોતે હાડકાનો ડોકટર છે અને તેમને હાથ-પગની કસરત કરાવી આપું એમ કહી કસરત કરાવવા લાગ્યો હતો. આ અરસામાં ગઠિયાએ વૃધ્ધાને તેમણે હાથમાં પહેરેલી સોનાની બંગડી કાઢી નાંખો તો કસરત કરવામાં સરળતા રહેશે એમ કહ્યું હતું. જેથી શારદાબેને બંગડી  કાઢી પલંગ પર મુકી હતી તે અત્યંત ચાલાકી પૂર્વક તફડાવી લીધી હતી. ત્યાર બાદ ચલાવવાના બ્હાને એપાર્ટમેન્ટની લીફટ સુધી લઇ ગયો હતો અને હમણાં મારી પાસે દવા નથી હું સામેથી દવા લઇને આવું છું એમ કહી ગઠિયો ભાગી ગયો હતો. ઘટના અંગે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૃ કરાઇ છે.

(5:22 pm IST)