Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

૮ વર્ષની બાળા સાથે હોવાનિયત ફાંસીની સજા ૨૫ વર્ષમાં ફેરવી

અમદાવાદઃ આઠ વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરવાના ગુનામાં સેશન્સ કોર્ટે ફટકારેલી ફાંસીની સજા ઘટાડીને હાઈકોર્ટે ૨૫ વર્ષની કેદમાં ફેરવવાનો હુકમ કર્યો છે. હાઈકોર્ટના જસ્ટિસ હર્ષાબેન દેવાણી તથા જસ્ટિસ વી.બી.માયાણીએ ચુકાદામાં આ કેસની ફાંસીની સજા ફરમાવવા માટે  રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણવાનો ઈન્કાર કર્યો છે.  તેની સાથે હાઈકોર્ટે એવું પણ અવલોકન કર્યું છે કે,  આરોપીને રાજય સરકાર જોડેથી કોઈ સજા માફીની રાહત મળી શકશે નહીં અને તે ૨૫ વર્ષ બાદ જ જેલમાંથી મુકત થશે.

મોડાસા તાલુકાના લીંભોઈ ગામે ૨૦૧૪માં ૮ વર્ષની બાળાને ચોકલેટ આપવવાના બહાને દિનેશ વસાવા બાળાને ઉઠાવી ગયો હતો. તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હતી. દોષિત દિનેશે બાળાની હત્યા કર્યા બાદ બાળકીને કુવામાં નાંખી દીધી હતી. બાળકીની ગુમ થવાની  ઘટનાથી પરિવારજનો અને ગામલોકો સાથે બાળાની શોધખોળ હાથ ધરી હતી. તેની સાથે આરોપીઓએ પણ જોડાઈને પોલીસની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે મોડાસા સેશન્સ કોર્ટે આરોપીને ૨૦૧૮માં ફાંસીની સજા ફટકારી હતી. આ હુકમને કન્ફર્મ કરાવવા માટે રાજય સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલમાં હાઈકોર્ટે ઉકત હુકમ કર્યો હતો.

(3:22 pm IST)