Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

ઇશરત જહાં કેસ : CBI કોર્ટે અમિત અને વણઝારાની ડિસ્ચાર્જ અરજી ફગાવી

જૂન ૨૦૦૪માં અમદાવાદના કોતરપુર વોટર વર્કસ નજીક મુંબઇની ૧૯ વર્ષની ઇશરત જહાં અને તેના ત્રણ સાથીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું

નવી દિલ્હી તા. ૭ : ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આજે સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટ એન.કે. અમિન અને ડી.જી.વણઝારા તરફથી કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી પર ચુકાદો આપ્યો હતો. કોર્ટે બંનેની અરજી નામંજૂરી કરી હતી. સુનાવણી દરમિયાન અમિન અને વણઝારા કોર્ટમાં હાજર રહ્યા હતા. આ કેસમાં હવે વધુ સુનાવણી સાતમી સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.

અગાઉની સુનાવણી વખતે સીબીઆઈ તરફથી વણઝારા અને અમિન તરફથી કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે સીબીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે, એન.કે અમીન સામે અપરાધિક ષડયંત્રનો કેસ સાબિત થયો છે. તેઓ એન્કાઉન્ટર વખતે શૂટઆઉટમાં સામેલ હતા. જયારે વણઝારાના વિરોધ પાછળ સીબીઆઈએ રજૂઆત કરી હતી કે તેમની સામે પણ ષડયંત્રનો કેસ સાબિત થયો છે. એટલું જ નહીં તેમની સૂચનાથી જ એન્કાઉન્ટ કરવામાં આવ્યું હતું.

જૂન ૨૦૦૪માં અમદાવાદના કોતરપુર વોટર વકર્સ નજીક મુંબઈની ૧૯ વર્ષની ઈશરત જહાં અને તેના ત્રણ સાથીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. ગુજરાત એટીએસને એવી માહિતી મળી હતી કે લશ્કર-એ-તોઇબાના ચાર આતંકીઓ તત્કાલિક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે આવી રહ્યા છે. જોકે, બાદમાં સીબીઆઈએ પોતાની તપાસમાં આ એન્કાઉન્ટર નકલી હોવાનું જણાવ્યું હતું.

ગત વર્ષે મુંબઈની સીબીઆઈ સ્પેશ્યલ કોર્ટે સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાતિના કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં નિવૃત્ત આઈપીએસ ઓફિસર વણઝારા અને આઈપીએસ એન.કે. અમીન સંપૂર્ણ દોષ મુકત જાહેર કર્યા હતા.

(3:47 pm IST)