Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

મોંઘવારીમાથી રાહતના સંકેત ! : મધર ડેરીએ સોયાબિન, રાઈસ બ્રાન તેલમાં ભાવમાં કર્યો 14 રુપિયાનો ઘટાડો

સરકારે કરેલ તેલના ભાવ ઘટાડવાનાં આદેશને લઈ મધર ડેરીએ લોકોને આપી નજીવી રાહત : સનફ્લાવર તેલની કિંમત પણ ઘટાડો થવાની શક્યતા

ગાંધીનગર તા. 07 : દેશમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે ખાદ્ય તેલની કિમતમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જેને લઈ સરકાર દ્વારા મધર ડેરીને તેલના ભાવમાં ઘટાડો કરવા આદેશ આપ્યો હતો. જેને લઈ મધર ડેરી દ્વારા સોયાબીન અને રાઈસ બ્રાન ઓઈલના ભાવમાં 14 રુપિયાનો ઘટાડો કરાયો છે.

મધર ડેરીએ સોયાબીન અને રાઈસ બ્રાન ઓઈલના ભાવમાં લીટરે 14 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી છે. મધર ડેરી ધારા બ્રાન્ડ હેઠળ ખાદ્યતેલોનું વેચાણ કરે છે. કંપનીના પ્રવક્તાએ સરકારના હસ્તક્ષેપનો લાભ ગ્રાહકોને આપતા કહ્યું હતું કે - અમે ધારા સોયાબીન ઓઇલ અને ધારા રાઇસબ્રાન ઓઇલની કિમતમાં પ્રતિ લિટર 15 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે, જે આવતા સપ્તાહ સુધીમાં બજારમાં ઉપલબ્ધ થઈ જશે. ‎તે આગામી 15-20 દિવસમાં સનફ્લાવર ઓઇલની કિમતમાં ઘટાડાની અપેક્ષા રાખે છે. ‎16 જૂને, મધર ડેરીએ વૈશ્વિક બજારોમાં દરોમાં નરમાશ સાથે તેના રસોઈ તેલની કિંમતોમાં લિટર દીઠ 15 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો. ‎

આસામાને આંબી રહેલી મોંઘવારીને જમીન પર સ્થિર કરવા મોદી સરકાર એક પછી એક પગલાં ભરી રહી છે. પેટ્રોલ-ડીઝલ, સિમેન્ટ, સ્ટીલના ભાવ ઘટાડા બાદ હવે સરકાર ખાદ્ય તેલની કિંમતોને કાબુમાં લેવાના પગલાં ભરવાનું શરુ કર્યાં છે. ગુરુવારે સરકારે કંપનીઓને ખાદ્ય તેલના ભાવમાં લીટરે 10 રુપિયાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેલનાં ભાવ દેશભરમાં એકસરખા રાખવામાં આવે તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે. જેનાં કારણે અવ્યવસ્થા ન સર્જાય અને અમુક વિસ્તારોમાં કાળાબજાર જેવી સ્થિતિ ઊભી ન થાય.

ભારત ખાદ્ય તેલની 60 ટકાથી વધુ આયાત કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ઉપરાંત ઇન્ડોનેશિયા દ્વારા નિકાસ પર પ્રતિબંધને કારણે આયાત પર અસર પડી છે. આ કારણે વૈશ્વિક તેમજ સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો કે સરકારે ભાવ ઘટાડાને લઈને ગત વર્ષે પણ અનેક મહત્વના નિર્ણયો લીધા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, સરકારે બે મહત્વના તેલ સોયાબિન અને સનફ્લાવર તેલ પરની કસ્ટમ્સ ડ્યુટી અને એગ્રી સેસ જતી કરી દીધી હતી. સરકારના આ નિર્ણયને કારણે વિદેશમાંથી આવતા સોયાબિન અને સનફ્લાવર પર કોઈ ટેક્સ નહીં લાગે આને કારણે ઘરેલુ મોરચે બન્ને તેલ સસ્તા થઈ જશે. નોટિફિકેશનમાં એવું પણ જણાવાયું હતું કે 20 લાખ મેટ્રિક ટન સોયાબિન અને સનફ્લાવરની આયાત પર કસ્ટમ્સ ડ્યુટી અને એગ્રી સેસને માર્ચ 2024 સુધી મુક્તિ આપવામાં આવી છે.

(12:12 am IST)