Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

તરોપા હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ અને વાલી સંમેલન યોજાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આર એન દિક્ષીત હાઈસ્કૂલ તરોપા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને DFO નર્મદા મિતેશભાઈ પટેલ ના મુખ્ય મહેમાન પદે વાલી મીટીંગ નું આયોજન થયું હતું. તે ઉપરાંત શાળા ના ષષ્ટી પૂર્તિ મહોત્સવ અને આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત  1000 છોડવાનું વૃક્ષારોપણ કરવાનું એક અભિયાન  શાળા પરિવાર દ્વારા ગ્રામજનોના સહકાર દ્વારા ઉપાડતા વાલીઓનો ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થયો છે.

 આ તબક્કે ગામના અગ્રણી સતિષભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો અને ગ્રામજનો દ્વારા આ વૃક્ષો દત્તક લઇ ઉછેરવા માં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ એ વાલીઓને શિક્ષણ અંગે પોતાની લાક્ષણિક શૈલીમાં સમજ આપી હતી. DFO મિતેશભાઈ પટેલએ જીવન અને ખાસ કરીને શાળા સમય દરમિયાન વૃક્ષોના મહત્વની ખૂબ જ સુંદર સમજ પૂરી પાડી હતી. શાળાના આચાર્ય અને નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશકુમાર વસાવાએ વાલીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભારતનું ભાવિ એવા બાળકોનો  શાળામાં કુમળા છોડ સમાન  જતન કરીને શિક્ષણ કાર્ય કરી રહ્યા છીએ ત્યારે આપના સહકાર દ્વારા આવનાર સમયમાં ખૂબ જ સુંદર પરિણામ લાવી ગામ અને શાળાનું ગૌરવ વધારવા  કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
   આ તબક્કે શાળા ના તેજસ્વી તારલાઓ પ્રિયલબેન વસાવા,સ્નેહાકુમારી વસાવા,અને કોમલબેન વસાવા નું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

(10:30 pm IST)