Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

વડોદરા:હોટેલમાં રૂમ બુક કરાવી ક્રિકેટનો સટ્ટો રમાડતા હાલોલના સંચાલક સહીત અન્ય બે શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા

વડોદરા: હાઇવે નં 48 ઉપર હોટલમાં રૂમ બુક કરાવી તમિલનાડુ પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ ઉપર ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડતા હાલોલના સંચાલક સહિત બે શખ્સોને પીસીબી પોલીસે ઝડપી પાડી 2.20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય ત્રણ જુગારીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. બનાવ સંદર્ભે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

પીસીબી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, હાલોલ ખાતે રહેતો હિમાંશુ ગોકુળભાઈ શાહ તાજેતરમાં ચાલી રહેલી તામિલનાડુ પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટનો મોબાઇલ ફોન ઉપર ઓનલાઇન સટ્ટો રમાડે છે. અને નેશનલ હાઇવે 48 ઉપર હોટલ રાધે ખાતે રૂમ  303 બુક કરાવ્યો છે. જ્યાં તે તેમજ તેનો મિત્ર કેતન પ્રવીણભાઈ પટેલ (રહે -કલાલી )સટ્ટો રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી બાતમી મુજબના બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. હિમાંશુ પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેની તપાસ દરમિયાન ક્રિકેટ લાઇવ લાઈન એપ્લિકેશન મારફતે વિરલ તથા શેઠ અમર સાથે સટ્ટાનું ચેટિંગ હોવાનું જણાયું હતું. આ ઉપરાંત તેજસ નામના વ્યક્તિએ પણ સટ્ટો રમ્યો હતો. જ્યારે હાલોલનો યસ સોલંકીની એમએસ યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલુ હોય તે ગ્રાહક નથી તેવું જણાવ્યું છે. બરોડા દરમિયાન પોલીસે ત્રણ મોબાઈલ ફોન, ઓનલાઇન સટ્ટાના સ્ક્રીનશોટ, કાર સહિત 2.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે વિરલ ,અમર અને તેજસને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

(6:42 pm IST)