Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

અંબાજી ખાતે 5 થી 10 સપ્‍ટેમ્‍બર દરમિયાન ભાદરવી પુનમનો મેળો યોજાશેઃ તંત્ર દ્વારા જાહેરાત

અંબાજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા મેળાના આયોજનથી બે મહિના અગાઉ તડામાર તૈયારી શરૂ

અંબાજીઃ કોરોનાના બે વર્ષ ગયા બાદ સુપ્રસિદ્ધ અંબાજી માતાનો મેળો 5 થી 10 સપ્‍ટેમ્‍બર દરમિયાન ભાદરવી પુનમના દિવસે યોજાશે. તંત્ર દ્વારા જાહેર કરાતા મેળા માટેની મંદિરના ટ્રસ્‍ટ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

કોરોનાના બે વર્ષ દરમિયાન અનેક એવા કાર્યક્રમો પર રોક લાગી હતી, જેમાં માનવ મહેરામણ ઉમટી પડતુ હોય. ત્યારે 2022 માં બે વર્ષ બાદ હવે કાર્યક્રમો આયોજિત થઈ રહ્યાં છે. અંબાજીના ભાદરવી પૂનમના મેળાને પણ મંજૂરી મળી ગઈ છે. ત્યારે અંબાજીમાં આગામી તા. 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે તેવી જાહેરાત તંત્ર દ્વારા કરી દેવાઈ છે.

બે વર્ષ બાદ ફરીથી ભાદરવી પૂનમનો મેળો યોજાશે. અંબાજીના ભાદરવી પૂનમના મેળાના અંગે પાલનપુર ખાતે બેઠક યોજાઇ હતી. ત્યારે આ વર્ષે ભાદરવી પૂનમમાં વધુ ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે, કારણ કે સતત બે વર્ષ ભક્તો પૂનમથી દૂર રહ્યા હતા. આ વર્ષે દૂરદૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મેળાના આયોજન માટે બે મહિના અગાઉથી જ વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવાતી હોય છે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ, કાયદો અને વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ હતી. આ વર્ષે અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ કરાશે. ગબ્બરમાં 51 શક્તિપીઠ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે મેળામાં નવા આકર્ષણો પણ ઉમેરાશે. સાથે જ અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી કરવામાં આવશે.

(5:53 pm IST)