Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

શાકભાજી અને ફળોના ભાવમાં ભડકોઃ ૧૦૦ રૂપિયે કિલો વેચાઈ રહી છે દૂધી

અમદાવાદમાં શાકભાજી-ફળોના ભાવ આસમાનેઃ ગળહિણીઓનું બજેટ વેરવિખેર! : લસણના ભાવ ૧૨૦ રુપિયાથી વધીને ૨૪૦ રુપિયા પ્રતિ કિલો થઈ ગયો છેઃ જથ્‍થાબંધ અને છૂટક વેપારીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે

અમદાવાદ, તા.૭: સામાન્‍ય નાગરિકોને મોંઘવારીનો માર ચારેબાજુથી પડી રહ્યો છે. તાજેતરમાં જ ઓઈલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવમાં ૫૦ રુપિયા વધારો કરવાની જાહેરાત કરી છે. આ સિવાય અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં પાછલા એક મહિનાથી શાકભાજીઓ અને ફળોના ભાવમાં ૧૦૦થી ૧૭૫ ટકા સુધીનો વધારો નોંધાયો છે. એક મહિના પહેલા જ્‍યારે દૂધીની કિંમત ૪૦ રુપિયા પ્રતિ કિલો હતી તે હવે વધીને ૧૦૦ રુપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે લીંબુના વધતા ભાવે રાજ્‍યભરમાં ચર્ચા જગાવી હતી. એક સમયે લીંબુનો ભાવ ૪૦૦ રુપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો. પરંતુ હવે તેના ભાવમાં રાહત જોવા મળી છે. લીંબુનો ભાવ ઘટીને ૧૦૦ રુપિયા પ્રતિ કિલો થયો છે. ૧૦૦ રુપિયા ભાવ ગળહિણીઓ માટે વધારે જ છે, પરંતુ અગાઉ થયેલા વધારાની સરખામણીમાં નવી કિંમત રાહત આપનારી છે. જો લસણની વાત કરીએ તો, લસણનો ભાવ ૧૨૦ રુપિયા પ્રતિ કિલોથી વધીને ૨૪૦ રુપિયા થઈ ગયો છે. કહી શકાય કે, ગણતરીના સમયમાં લસણનો ભાવ બમણો થઈ ગયો છે

શહેરના સેટેલાઈટ વિસ્‍તારમાં શાકભાજી વેચનાર એક વેપારી કાંતિ વિરામ જણાવે છે કે, શાકભાજીના ભાવમાં એટલો વધારો થયો છે કે લોકો તેના વપરાશમાં કાપ મૂકવા માટે મજબૂર થયા છે. નવરંગપુરામાં રહેતા પ્રિયંકા શાહ જણાવે છે કે, શાકભાજી અને ફળોની કિંમતમાં થયેલો વધારો સામાન્‍ય માણસોને પ્રભાવિત કરી રહ્યો છે. થોડા સમય માટે આપણે ફળ ખાવાનું છોડી શકીએ છીએ, પરંતુ શાકભાજીએ દૈનિક જરૂરિયાત છે.

પ્રિયંકા શાહ આગળ જણાવે છે કે, પહેલા હું દરરોજ ૫૦૦ ગ્રામ શાક લેતી હતી, પરંતુ હવે હું ૨૫૦ ગ્રામ જ લેવા મજબૂર છું. એક મધ્‍યમવર્ગીય પરિવાર માટે માસિક બજેટ સાચવી રાખવું જરૂરી હોય છે. પ્રિયંકા શાહની જેમ અનેક ગળહિણીઓનું બજેટ આ ભાવવધારાને કારણે ખોરવાઈ ગયું છે. રીટેલર્સનો દાવો છે કે જથ્‍થાબંધના વેપારીઓએ ભાવ વધાર્યા છે. પરંતુ અમદાવાદ એપીએમસીના સેક્રેટરી દિપક પટેલ આ વાત સાથે સહમત નથી.

કયારે સ્‍થિર થશે ભાવ? : દિપક પટેલ જણાવે છે કે, જથ્‍થાબંધના ભાવમાં વધઘટ નથી. અને રીટેલ કિંમતો પર અમારું કોઈ નિયંત્રણ નથી હોતું. પાછલા થોડા દિવસમાં લીંબુ અને ટમેટાની કિંમતમાં તો ઘટાડો થયો છે. ગુજરાતના કળષિ, ખેડૂત વિકાસ અને સહકાર વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, ચોમાસાની શરુઆત રાજ્‍યભરમાં થઈ છે અને ઉનાળાના પાકની સિઝન લગભગ પૂરી થઈ ગઈ છે. શાકભાજીનો નવો જથ્‍થો હજી બજારમાં પહોંચ્‍યો નથી માટે કિંમત વધારે હોઈ શકે છે. આ સિવાય ભારે વરસાદને કારણે પણ કિંમત વધી હોઈ શકે. જુલાઈ મહિનાના અંત સુધી ભાવ સ્‍થિર થઈ જશે તેવી અમને આશા છે.(

(11:01 am IST)