Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ધોરણ-9 અને 11 માટે હંગામી વર્ગ વધારાની માંગણી : શાળાઓ પાસેથી લેવાતી દરખાસ્ત ફી પણ માફ કરો

માસ પ્રમોશનના કારણે ધો. 9 અને 11માં સર્જાયેલી પરિસ્થિતિ: બે વર્ષ સુધી વર્ગ વધારાની પડશે જરૂર : ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રજુઆત

અમદાવાદ :રાજ્યમાં ચાલુ વર્ષે આપવામાં આવેલા માસ પ્રમોશનના લીધે સર્જાયેલી પરિસ્થિતિના કારણે આગામી 2 વર્ષ સુધી વર્ગ વધારાની જરૂરીયાત ઉભી થશે. ત્યારબાદ આ વર્ગો બંધ કરવા પડે તેમ હોવાથી હંગામી વર્ગ વધારો આપવામાં આવે તેવી રજૂઆત ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે. હંગામી વર્ગ વધારા માટે શાળાઓ પાસેથી લેવામાં આવતી દરખાસ્ત ફી પણ માફ કરવામાં આવે તેમ પણ રજૂઆતમાં જણાવાયું છે. બે વર્ષ બાદ સરેરાશ પરિણામ આવનાર હોવાથી વધારાના વર્ગોની જરૂરીયાત રહેશે નહીં.

રાજ્યમાં ચાલતી સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આગામી 2 વર્ષ માટે ધોરણ-9 અને ધોરણ-11 અને ત્યારબાદ ધોરણ-10 અને ધોરણ-12ના વર્ગોની વધઘટ થનાર છે. ચાલુ વર્ષે માસ પ્રમોશનના કારણે ધોરણ-9 અને ધોરણ-11 માટે 100 ટકા વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળામાં ધોરણ-9 અને 11ના વર્ગો શરૂ કરવાની જરૂરીયાત ઉભી થઈ છે.

ગ્રાન્ટેડ શાળામાં પ્રતિવર્ષ મર્યાદીત વર્ગો મંજુર થતા હોય છે. ગ્રાન્ટેડ વર્ગો માટે શાળા સંચાલક મંડળે રૂ. 2500 વર્ગ વધારાની દરખાસ્ત સાથે ભરવાના થાય છે. ખાનગી શાળાઓમાં શિક્ષણ બોર્ડ દ્વારા વર્ગ વધારાની મંજુરી આપવામાં આવે છે. બોર્ડ દ્વારા પ્રત્યેક વર્ગ વધારવા માટે રૂ. 12, 500 પ્રોસેસ ફી ભરાવે છે. ચાલુ વર્ષે માસ પ્રમોશનના લીધે ધોરણ-9 અને 11ના વર્ગોની સંખ્યામાં ધરખમ વધારો થશે, પરંતુ 2022-23ના વર્ષમાં ધોરણ-9 અને 11માં નિયમિત પરીક્ષાનું આયોજન થાય અને માસ પ્રમોશન ન થાય તેવા સંજોગોમાં તે વર્ગો બંધ કરવાની ફરજ પડશે.

વર્ષ 2022-23માં ધોરણ-10 અને 12ના વર્ગો વધશે, પરંતુ તે પણ 2023ની બોર્ડની પરીક્ષા બાદ બંધ કરવાની ફરજ પડશે. આમ, માસ પ્રમોશનના લીધે બે વર્ષ પુરતું રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ પર વધારાનું ભારણ રહેશે. માર્ચ-2022 અને 2023ની બોર્ડની પરીક્ષાના પરિણામો ભૂતકાળના પરિણામોની એવરેજ મુજબ જ આવે તો વર્ગ વધારો કાયમ રહેવાનો નથી. જેથી હંગામી વર્ગ વધારો આપવામાં આવે તે માટે સંચાલક મંડળ દ્વારા શિક્ષણ સચિવને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જેથી વર્ગ વધારા માટે ગ્રાન્ટેડ સ્કૂલો પાસેથી રૂ. 2500 અને ખાનગી સ્કૂલો પાસેથી રૂ. 12500 માફ કરવા જોઈએ અને માત્ર અરજીઓ મંગાવવી જોઈએ.

હંગામી વર્ગ વધારો આપવામાં આવે તો કાયમી વર્ગ વધારો આપવાથી અને ત્યારબાદ બંધ કરવાથી કર્મચારી ફાજલ કરવાની અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ કરવાની તમામ બાબતોમાંથી મુક્તિ મળશે. નિયામક કચેરી દ્વારા રૂ. 56 કરોડના નવા બજેટની વાત શિક્ષકો વધવાથી થશે તેમ જણાવેલ છે તેની આવશ્યકતા ન હોવાનું જણાવી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ દ્વારા કાયમી શિક્ષકોના બદલે પ્રવાસી શિક્ષકો આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

(11:57 pm IST)