Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ :ગુજરાતમાં વરસાદની આગાહી

રવિવારથી રાજ્યના વાતાવરણમાં બદલાવ આવશે અને વરસાદની તીવ્રતામાં પણ વધારો થશે.

અમદાવાદ :ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાને મોનસુન બ્રેક લાગી જતાં છેલ્લા બે સપ્તાહથી વરસાદ વરસ્યો નથી. જેને કારણે ખેડૂતોને પાક નુકશાન થવાની ચિંતા સતાવી રહી છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં લાંબા સમય પછી હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું હોવાના સંકેતો હવામાન વિભાગને મળ્યા છે, જેના આધારે રાજ્યમાં સારા વરસાદના અણસાર છે. બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાવાનું છે જેને કારણે પશ્ચિમ ભારતમાં સ્થિર થયેલ નૈઋત્યનું ચોમાસુ આગળ વધે તેવી શકયતા છે. સાથે જ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાને લાગેલી મોનસુન બ્રેક પણ આ સિસ્ટમને કારણે દૂર થઈ શકે તેમ છે.

બંગાળની ખાડીમાં ઉદભવી રહેલ વરસાદી સિસ્ટમ જો અનુમાન પ્રમાણે આગળ વધશે તો નૈઋત્યના ચોમાસા માટે ફાયદાકારક થશે અને રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં નૈઋત્યના ચોમાસાને આગળ વધવામાં મદદ મળી રહેશે. જૂન અને જુલાઇના પહેલા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ નહીં થતાં રાજ્યભરના વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. જો કે આ સ્થિતિ આગામી 9 જુલાઈ સુધી યથાવત રહેશે ત્યારબાદ રાજ્યના વાતાવરણમાં બદલાવ આવશે અને વરસાદની તીવ્રતામાં પણ વધારો થશે.

(9:27 pm IST)