Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

દાગીનાની ચોરીનો એક આરોપી અમદાવાદથી જબ્બે

વડોદરાના છાણી નજીકથી દાગીનીની ચોરી થઈ હતી : ક્રાઈમ બ્રાંચે અમિત અભવેકરની ધરપકડ કરીને ૨૬ લાખથી વધુનો સોનાના દાગીના મુદ્દામાલ કબજે કર્યો

અમદાવાદ, તા. ૭ : તાજેતરમાં વડોદરા વિસ્તાર નજીક છાણી જકાતનાકા પાસેથી એક કારની ડેકીમા ૨ કરોડ ૩૫ લાખના દાગીનાની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે  ધરપકડ કરી ૨૬ લાખથી વધુનો સોનાના દાગીના મુદ્દામાલ કબજે કર્યો છે.

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમે ચોક્કસ હકીકત આધારે બરોડામાં થયેલી ચોરીમાં સંડોવાયેલા આરોપી ચોરીનો કેટલોક મુદ્દામાલ લઈ આસ્ટોડિયા માંડવીની પોળ પાસેથી નીકળવાનો હોવાની માહિતી આધારે આસ્ટોડિયા પાસેથી ઝડપી લીધો હતો.

પકડાયેલા આરોપી અમિત અભવેકરની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે પોતાની છ શખ્સોની ગેંગ સાથે વડોદરા ચોરીના ઇરાદે જ ગયા હતા. તે દરમ્યાન રેકી કરતા રાજકોટના સોનીનો પીછો કરી કારનો કાચ તોડીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. રાજકોટના વી રસિકલાલ નામથી સોનાના દાગીનાનો ટ્રેડિંગ ધંધો કરતા વેપારી વડોદરા ગયા હતા અને તેની કારમાં ડેકીમાં રાખેલા સોનાના દાગીના ચોરી લીધા હોવાનું આરોપીએ કબૂલ્યું હતું.

જે અંગે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. પકડાયેલા આરોપી અમિત અભવેકર અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. વર્ષ ૨૦૧૬માં આજ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં જ્યારે ૨૦૧૭માં શેરકોટડા અને ઓઢવ વિસ્તારમાં ચોરીના ગુનામાં ચંદુભાઈનું સામે આવ્યું હતું.

એટલું જ નહીં આરોપી અમિત અભવેકર પોતાની ગેંગ સાથે મુંબઈ પણ ચોરી કરવા જતા અગાઉ પકડાઈ ચૂક્યો છે. ચોરીના ગુનામાં સુરત પોલીસે ૨૦૨૦ માં પાસા હેઠળ ધકેલતા એક માસ પહેલાં જેલમાંથી આવતા ફરી એક ગુનાને અંજામ આપ્યો હતો.

(8:48 pm IST)