Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

અમદાવાદમાં ભગવાન શ્રી જગન્‍નાથજીની 144મી રથયાત્રાને સરકારની લીલીઝંડીઃ કોરોના ગાઇડલાઇન અને શરતોનું પાલન કરવુ પડશેઃ વિજયભાઇ રૂપાણીના હસ્‍તે પૂજનવિધી થશે

અમદાવાદઃ આગામી સમયમાં નિકળનારી ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને લઈને સરકારે લીલીઝંડી આપી છે. ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને સરકારની મંજૂરી મળ્યા બાદ હવે તૈયારીઓને આખરી ઓપ અપાશે. કેબિનેટની મીટિંગમાં રથયાત્રાને મંજૂરી મળ્યા બાદ સરકારે કોરોના ગાઈડલાઈન અને અમુક શરતોને આધીન મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રા આ વર્ષે પણ આગામી તા. 12મીને સોમવારના રોજ નીકળશે જ એવી જગદીશ મંદિરના ટ્રસ્ટીઓ ભારપૂર્વક જણાવ્યું હતું. આજે બુધવારે મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં રથયાત્રા અંગે નિર્ણય લેવાયો હતો.

મંદિરના સૂત્રોએ અગાઉ એમ જણાવ્યું કે, રથયાત્રાના પ્રારંભ પહેલા એટલે કે, રથને દોરતા અગાઉ પહિંદવિધિ કરવામાં આવે છે, જેમાં પ્રથમ રથ આગળની ધૂળ કે માટી સોનાના તારવાળી સાવરણીથી દૂર કરીને રોડ સ્વચ્છ કરવામાં આવે છે અને એ પછી રથનું પૂજન કરવામાં આવે છે. આ વિધિ દર વર્ષે મુખ્યમંત્રીના હસ્તે થાય છે તેમ આ વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણી કરશે. આ વિધિ માટેનું સત્તાવાર આમંત્રણનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો છે. તા.12મીએ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા નીકળશે, કહો કે, ભગવાન શહેરની પરિક્રમાએ નીકળશે.

(5:05 pm IST)