Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

સુરતના વરાછામાં જાહેર રસ્તા પર દબાણ દૂર કરવા ગયેલ પાલિકાની ટિમ પર લોખંડના પાઇપથી હુમલો થતા ચકચાર

સુરત:મ્યુનિ.ના વરાછા ઝોનમાં આવેલા ખોડિયાર નગરમાં જાહેર રસ્તા  ઉપરના દબાણ દુર કરવા ગયેલી પાલિકાની ટીમ પર લોખંડની પાઈપથી હુમલો કરાયો હતો. દબાણ કરનારાઓએ ભેગા થઈને પાલિકાની ટીમને ભગાવી દીધી હતી ત્યાર બાદ આ વિસ્તારમાં નહી આવવું તેવી ચીમકી આપી દીધી હતી.

સુરત મ્યુનિ. વિસ્તારમાં ગેરકાયદે દબાણના કારણે ટ્રાફિક સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પાલિકામાં દબાણ દુર કરવાની ફરિયાદ કરવામા આવે તે વિસ્તારમા ંદબાણ ઘટવાના બદલે વધી રહ્યાં છે.  માથાભારે દબાણ કરનારાઓ સામે પાલિકા તંત્ર લાચાર  બન્યું હોવાથી લોકો ગેરકાયદે દબાણના કારણે ત્રાહિમામ પોકારી રહ્યાં છે. સ્થાનિકોની  ફરિયાદ બાદ પાલિકા તંત્ર દબાણ દુર કરવા જાય છે તો માથાભારે તત્વો પાલિકાની ટીમ પર હુમલો કરતાં અચકાતા નથઈ.

આજે મ્યુનિ.ના વરાછા ઝોનમાં ગેરકાયદે લારીઓની સૌથી વધુ ફરિયાદ છે તેવા ખોડિયાર નગર વિસ્તારમાં  પાલિકાની ટીમ દબાણ દુર કરવા ગઈ હતી. પાલિકાની ટીમ દબાણ દુર કરવાની કામગીરી કરી રહી હતી દરમિયાન એક માથાભારે લારીવાળાએ  પાલિકાની ટીમ પર લોખંડના પાઈપથી હુમલો કરી દીધો હતો. ત્યાર બાદ લોકોના ટોળા ભેગા થતાં પાલિકાની ટીમ ઘેરાઈ ગઈ હતી. દબાણ કરનારાઓને ભેગા મળીને પાલિકાની ટીમ પર હુમલો કરીને ભગાડી હતી.  આટલું જ નહીં પરંતુ આ વિસ્તારમાં દબાણ દુર કરવા માટે આવવું નહી તેવી ધમકી પણ આપી હતી. 

(4:50 pm IST)