Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

વેપારીઓનું કરોડોનું IGST રિફંડ બાકીઃ ડોકયુમેન્ટ લઈને વેપારીઓના ધક્કા

બોગસ વેપારીઓને કારણે સાચા વેપારીઓના પૈસા પણ ફસાઈ ગયા : ડિપાર્ટમેન્ટે ખાસ હેલ્પ ડેસ્ક ખોલીને સમસ્યાનું નિરાકરણ કરવાનું શરૂ કર્યુ

અમદાવાદ, તા.૭: દેશમાં GSTના અમલ શરૂ થયો ત્યારથી જ ચોક્કસ વેપારીઓ દ્વારા બોગસ બિલિંગ કૌભાંડનો જાણે કે વ્યવસાય શરૂ કરી દેવાયો છે. આવા વેપારીઓને કારણે સાચા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે. ઇમ્પોર્ટ-એકસપોર્ટ કરતા સંખ્યાબંધ વેપારીઓના હજારો કરોડો રૂપિયાનાા IGST રિફંડ બાકી હોવાથી વેપારીઓ પરેશાન થઇ ગયા છે. રિફંડ મેળવવા માટે વેપારીઓ અથવા તેમના માણસો જરૂરી દસ્તાવેજ સાથે ડિપાર્ટમેન્ટની કચેરીઓના ધક્કા ખાઇ રહ્યાં છે. જોકે, ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરી વેપારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

GSTના અમલને ચાર વર્ષ પૂરા થઇ રહ્યાં છે ત્યારે હજુ સુધી વેપારીઓને સમયસર રિફંડ નહીં મળતું હોવાની ફરિયાદો યથાવત છે. GSTના અમલ ટાણે સરકાર દ્વારા અઠવાડિયામાં જ વેપારીઓને રિફંડ સીધું તેમના ખાતામાં જમા કરાવી દેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. જયારે વાસ્તવિકતા કંઇક જુદી જ છે. આ ચાર વર્ષ દરમિયાન સંખ્યાબંધ વેપારીઓના હજારો કરોડ રૂપિયાના રિફંડ અટકી પડ્યા છે.

ડિપાર્ટમેન્ટની બેદરકારી, ગમે ત્યારે પોર્ટલ ઠપ થઈ જવું જેવી સમસ્યાઓ હજુ યથાવત છે. ઓનલાઇન રિફંડની કામગીરી નહીં ચાલતી હોવાથી ઓફલાઈન રિફંડ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાના દાવા થઇ રહ્યાં છે, પરંતુ વેપારીને રિફંડ મળતું નથી. આ પરિસ્થિતિમાં ઇમ્પોર્ટ-એકસપોર્ટ કરતા સંખ્યાબંધ વેપારીઓના રિફંડ અટકી ગયા હોવાથી તેઓ રીતસર આર્થિક મૂંઝવણ અનુભવી રહ્યાં છે.

ડિપાર્ટમેન્ટની એવી દલીલ છે કે, કેટલાક ચોક્કસ વેપારીઓ એકસપોર્ટ-ઈમ્પોર્ટ કર્યા વગર માત્ર બોગસ બિલ રજૂ કરીને ખોટી ક્રેડિટ મેળવતા હોય છે. આવા વેપારીઓને કારણે ડિપાર્ટમેન્ટ તમામ વેપારીઓના રિફંડ આપવામાં ઢીલ કરી રહ્યું છે. હજારો કરોડ રૂપિયાના રિફંડ અટકી પડતા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

રિફંડ મેળવવાની કામગીરી ઓનલાઈન કે ઓફલાઈન પૂર્ણ નહીં થતી હોવાથી વેપારીઓ તથા વેપારીઓના માણસો ત્ઞ્લ્વ્ રિફંડ મેળવવા માટે કચેરીઓમાં ધક્કા ખાઇ રહ્યાં છે. આવા વેપારીઓના પ્રશ્નોના સમાધાન માટે ડિપાર્ટમેન્ટ ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરી તેમના રિફંડ તાકીદે મળે તેવા પ્રયાસ કરી રહ્યું છે.

(10:30 am IST)