Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રાજ્યમાં 14.63 ટકા વરસાદ વરસ્યો: વાવણી બાદ અનેક વિસ્તારમાં મેઘરાજા રિસાયા :ખેડૂતોમાં ચિંતાની લાગણી

વરસાદ ન પડવાના કારણે જળાશયોના સ્તર નીચી ઉતરી ગયા

અમદાવાદ : રાજયમાં વરસાદ પાછો ખેચાતા જગતનો તાત ચિંતામાં જોવા મળ્યો છે. જુલાઈનો પ્રારંભથી અત્યાર સુધીમાં માત્ર 14.63 ટકા  વરસાદ થયો છે. વરસાદ ન પડવાના કારણે જળાશયોના સ્તર નીચી ઉતરી ગયા છે.

  વરસાદ પાછો ખેચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. વરસાદ ન પડતા ચોમાસાની સિઝનમાં હિટવેવ જેવી ગરમી પડી રહી છે. તો બીજી બાજુ હવે જળસપાટીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યનાં 206 જળાશયમાં 39% જળસંગ્રહ છે. માત્ર બે ડેમો જ સંપૂર્ણ ભરેલા છે. બન્ને જળાશય અમરેલી જિલ્લાનાં છે. 65 જળાશયમાં 10%થી ઓછું પાણી છે, જ્યારે 118માં 25%થી પણ ઓછું પાણી છે. સરદાર સરોવરમાં 43% જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં જળસપાટી 9.24 મીટર ઘટી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 25%થી ઓછો જળસંગ્રહ છે, મધ્ય ગુજરાતમાં 44%થી વધારે અને દક્ષિણ ગુજરાતમાં 40% પાણી છે. સૌરાષ્ટ્રમાં 31% સંગ્રહ છે. સૌથી ઓછો જળસંગ્રહ ધરાવતા જિલ્લાઓમાં બનાસકાંઠા 7%, ખેડા 4% અને દેવભૂમિ દ્વારકા 2.54% છે.

હવામાન ખાતા મુજબ, આગામી 5 દિવસમાં સારા વરસાદની શક્યતા નહીંવત છે. વાવણી બાદ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો ન હોવાથી ખેડૂતો ચિંતામાં છે. જો એક સપ્તાહમાં સારો વરસાદ ના પડે તો પાક નિષ્ફળ જવાનો પણ ભય છે. છેલ્લાં 30 વર્ષમાં સૌથી વધારે 50 ઇંચ વરસાદ 1994માં, જ્યારે સૌથી ઓછો 18 ઇંચ વરસાદ 2000માં થયો હતો. ત્યારે હવે જગતનો તાત આકાશ સામે વરસાદની રાહ જોઈ બેઠો છે.

(12:50 am IST)