Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનતા ગોરા આદર્શ ગામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના અસરગ્રસ્તો માટે સરકારે ગોરા ગામમાં 400 મકાનોની આદર્શ ગામ યોજના તૈયાર કરી છે.હાલ 50% જેટલા મકાનો બની ગયા છે મોટે ભાગના લોકો ત્યાં રેહવા જતા રહ્યા છે.તો બીજી બાજુ અમુક લોકોએ ગોરા આદર્શ ગામ યોજનાનો વિરોધ નોંધાવ્યો છે.તંત્ર એક તરફ એ વિરોધ ઠારવારો પ્રયાસ કરી રહ્યુ છે તો બીજી બાજુ નર્મદા જિલ્લા ભાજપના નેતા અને ગુજરાત સરપંચ પરિષદ પ્રમુખ નિરંજન વસાવાએ ગોરા આદર્શ ગામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવતા ખળભળાટ મચ્યો છે.
ગુજરાત સરપંચ પરિષદ પ્રમુખ અને જિલ્લા ભાજપના નેતા નિરંજન વસાવા લોકોની ફરિયાદને લઈને ગોરા આદર્શ ગામ ખાતે પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે અમારા આદિવાસીઓએ પોતાની જમીન અને મોટા મોટા મકાનોનું બલિદાન આપ્યું જેની સામે સરકારે એમને નાના ઓરડા બનાવી આપ્યા છે.સરકારને મારી વિનંતી છે કે અમારા આદીવાસી સમાજ સાથે અન્યાય ન કરો.ગોરા ગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા 400 આવાસોને ફક્ત 200 આવાસોંની અંદર જ સમાવેશ કરવામાં આવ્યો છે.આવાસોનું બાંધકામ ગુણવત્તા વગરનું છે, મકાન બન્યાના થોડા જ દિવસોમાં તિરાડો પડવા લાગી છે.ઘણા મકાનોનું બાંધકામ જોતા એનું 5 વર્ષનું પણ આયુષ્ય દેખાતું નથી.પરિવારમા 6 થી 8 લોકો આટલા નાના ઘરમાં કેવી રીતે રહી શકે.
મારી નર્મદા જિલ્લાના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લાના સંગઠનના પદાધિકારીઓને રજુઆત છે કે સરકારમાં યોગ્ય રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે આવાસ નિર્માણનું કામ બંધ કરાવી આવાસો મોટા બનાવવા સરકારમાં રજુઆત કરો.
ગોરા આદર્શ ગામમાં ગુણવત્તા વગરનું કામ થઈ રહ્યું હોવાનો આક્ષેપ ભાજપ નેતા નિરંજન વસાવાએ લગાવ્યો છે.ત્યારે આ મામલે કોન્ટ્રાકટ 2 દિવસમાં ખુલાસો આપે એવી માંગ કરી છે.નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે સ્થાનિક આદિવાસીઓનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, ત્યારે ગોરા ગામમાં બની રહેલ આદર્શ ગામમાં એ માટે જગ્યા પણ આપવામાં આવી નથી.આજે ચોમાસાની ઋતુ ચાલી રહી છે આ સમયમાં એ લોકો પોતાના વાડામાં શાકભાજી વાવીને પણ પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા અને આજે અહીંયા એક નાનકડો છોડ પણ રોપી શકતા નથી.

(11:56 pm IST)