Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સરકાર રીક્ષા ચાલકો સામે જુવે : શંકરસિંહ

લોકડાઉન ખુલ્યા પછી પણ મુસાફરો મળવા મુશ્કેલ : હજુ ચારેક મહીના કપરો સમય : રીક્ષા ચાલકોના લાઇટ બીલ, પાણી બીલ માફ કરો : વધારાનું પેકેજ આપો : વિજયભાઇને વિસ્તૃત પત્ર પાઠવતા બાપુ

રાજકોટ તા. ૭ : કોરોના મહામારીના કારણે કપરો સમય વેઠી રહેલા રીક્ષા ચાલકોને મદદ મળે તે માટે કઇક વિચારવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત કરી છે.

પત્રમાં જણાવ્યુ છે કે ગુજરાત રીક્ષા એસો.ના હોદેદારો દ્વારા મે માસમાં રજુઆતો કરવામાં આવી છે. છતા સરકારને હજુ સુધી સહાનુભુતિ પૂર્વક કઇં વિચારેલ નથી. લોકડાઉનના કારણે છેલ્લા બે માસથી રીક્ષાઓનું પરિવહન બંધ છે. લોકડાઉન ખુલી જવા છતા હજુ આગામી બે-ચાર માસ તેમને મુસાફરો મળવા મુશ્કેલ છે. કેમ કે આવી કપરી પરિસ્થિતીમાં કોઇ ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે.   જેથી રીક્ષા ચાલકોને ધંધા ઠપ્પ જેવી હાલતમાં જ રહેવાનું છે.

મોટાભાગના રીક્ષા ચાલકો આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. ઘરના ખર્ચા કાઢવા, સંતાનોની સ્કુલ ફી ભરવી, મકાન ભાડા ભરવા, રીક્ષા પણ ભાડાની હોય તો તે ભરવા સહીતના અનેક ખર્ચા સરભર કરવામાં રીક્ષા ચાલકો તુટી રહ્યા છે.

પરિણામે તેમના પ્રત્યે સહાનુભુતિથી વિચારી લાઇટ બીલ, પાણી બીલ બે ત્રણ માસ માટે માફ કરવા, રૂ.૧ લાખની લોન કોઇપણ જાતની ગેરેન્ટી વગર અને વ્યાજ વગર ૩ વર્ષની મુદત સુધી આપવા પત્રના અંતમાં શંકરસિંહ વાઘેલાએ સુચન કરેલ છે.

(3:26 pm IST)