Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

અમદાવાદમાં સંક્રમણ ઘટ્યું: છેલ્લા ચાર દિવસમાં કોરોનાના 200થી ઓછા કેસ : મૃત્યુ દર પણ નીચે

છેલ્લા કેટલાક દિવસોથી ટેસ્ટિંગની સંખ્યા વધારી છતાં કેસ ઘટ્યા

અમદાવાદ: રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહયો છે, ત્યારે અમદાવાદમાં પોઝિટિવ કેસો ઘટી રહ્યાં છે. જુલાઈ મહિનામાં 4 દિવસ 200થી નીચે કોરોનાના નવા કેસો નોંધાયા છે. સોમવારે પણ અમદાવાદમાં કોરોનાના 183 નવા કેસો સામે આવ્યા હતા. આ દરમિયાન વધુ 7 લોકોને કોરોના ભરખી ગયો છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં અત્યાર સુધી મળેલા કોરોના સંક્રમિતોની સંખ્યા 22 હજારને પાર પહોંચી ચૂકી છે.

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે. આમ છતાં કેસો સતત ઘટી રહ્યાં છે. જુલાઈ મહિનાના પ્રથમ 6 દિવસોમાંથી 4 દિવસ કોરોનાના નવા કેસો 200થી નીચે રહ્યાં છે. આ સાથે જ શહેરમાં મૃત્યુઆંક પણ ઘટ્યો છે

અમદાવાદમાં સોમવારે નવા સામે આવેલા 183 કેસોમાંથી 168 કેસ શહેરમાંથી મળી આવ્યા છે, જ્યારે અન્ય 15 કેસ જિલ્લામાંથી નોંધાયા છે. અગાઉ રવિવારે પણ અમદાવાદમાં કોરોનાના નવા 177 કેસ પોઝિટિવ મળી આવ્યા હતા. જ્યારે એ દિવસે વધુ 8 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

 રાજ્યમાં અનલૉકના બીજા તબક્કામાં પણ દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં 735 નવા કેસો સામે આવ્યા હતા, જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. આ સતત ત્રીજો દિવસ છે, જ્યારે કોરોના સંક્રમિતોની સંખ્યા 700થી વધુ રહ્યું છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 36858 પર પહોંચી ચૂકી છે

(1:56 pm IST)