Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

લાંચ માંગણીના વોટસએપ મેસેજના સ્ક્રીન શોટ ગાળીયારૂપ બને તો નવાઇ નહિ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ મહિલા પીઆઇ સામેના લાખોના લાંચ પ્રકરણમાં રોજ નવા ફણગા ફુટી રહયા છે : લાંચ માંગણીના વોટસએપ મેસેજ કર્યા બાદ તુર્ત ડીલીટ થતા હોવાનું બબ્બે બળાત્કારના આરોપીના ધ્યાને આવતા વોટસએપ મેસેજના તુર્ત જ સ્ક્રીન શોટ પાડી ગેલેરીમાં સેવ કરી લેવાયાની જોરદાર ચર્ચાઓ : જામજોધપુર - ઉપલેટા અને કેશોદ સુધી એસઓજી ટીમો મોકલતા ડીસીપી ડો.હર્ષદ પટેલઃ દેવેન્દ્રભાઇ ઓડેદરા ફોન સ્વીચ ઓફ કરી ભુગર્ભમાં ઉતરી ગયા છે કે શું?

રાજકોટ, તા., ૭: અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ શ્વેતા જાડેજા દ્વારા જીએસપી ક્રોપના મેનેજીંગ ડાયરેકટર  કેનાલ શાહ સામે બબ્બે બળાત્કારના ગુન્હામાં પાસામાં ન પુરાવવુ હોય તો રૂ. ર૦ લાખની લાંચની માંગણીવાળા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચકચારી બનેલા મામલામાં રોજ નવા ફણગા ફુટી રહયા છે.

અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.હર્ષદ પટેલના માર્ગદશન હેઠળ તપાસમાં એવું બહાર આવ્યું છે કે જીએસપી ક્રોપના મેનેજીંગ ડીરેકટર કેનાલ શાહ પાસે  રૂ. ૩પ લાખની માંગણી કરતા સમયે ઇન્ચાર્જ  મહિલા પીઆઇએ ખુબ જ કુનેહ દાખવવા પ્રયાસો કરેલા વોટસએપ મેસેજ મારફતે કહેવાતી લાંચની માંગણી કરી તુર્ત જ તે ડીલીટ કરી દેવામાં આવતી, યોગાનુયોગ રેપ કેસના આરોપીને ગમે તે રીતે આરોપી મહિલા પીઆઇની ચાલાકી ધ્યાને આવી જતા તેણે વોટસએપ મેસેજના સ્ક્રીન શોટ પાડવાનું શરૂ કરી દીધું હતું. આમ આ સ્ક્રીન શોટ પણ ઇન્ચાર્જ મહિલા પીઆઇ માટે મુસીબતરૂપ બનશે તેવુ પોલીસ તંત્રમાં ચર્ચાઇ રહયું છે.

અત્રે યાદ રહે કે ર૦ લાખની લાંચની માંગણી બાદ મહિલા પીએસઆઇના બનેવી દેવેન્દ્રભાઇ ઓડેદરાએ જામજોધપુર આંગળીયા પેઢીમાં લાંચની કહેવાતી રકમ  લેવા જવાનું ટાળી આંગડીયા પેઢીના સ્ટાફ મારફત ઉપલેટાથી રકમ સ્વીકારી હતી. દેવેન્દ્રભાઇ ઓડેદરા કેશોદમાં હોવાની બાતમી આધારે કેશોદ પણ ટીમો મોકલાઇ હતી. એટલુ જ નહી દેવેન્દ્રભાઇ ઓડેદરાના ઉપલેટાના નિવાસસ્થાને પણ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ થઇ હતી પરંતુ પોતાનું લોકેશન પોલીસ શોધી ન શકે તે માટે મોબાઇલ સ્વીચ ઓફ કર્યાનું પોલીસ સુત્રો જણાવે છે.

પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આરોપી ઇન્ચાર્જ મહિલા પીઆઇના બહેન મૂળ પ્રાસલામાં રહેતા હતા અને તેઓના લગ્ન વેબ્રીજના વ્યવસાય સાથે સંકળાયેલ દેવેન્દ્રભાઇ સાથે થયા હતા. આરોપી મૂળ પોરબંદરના કડછ ગામના વતની છે. જો કે તેઓ કેશોદમાં સ્થાયી થયા બાદ રાજકોટમાં અભ્યાસ કર્યો હતો. આરોપી મહિલા પીઆઇ સામે બીજા કોઇ આ પ્રકારના આરોપ છે કે કેમ? એ દિશામાં તપાસ સાથે ૩૫ લાખની લાંચ, ચીઠ્ઠીમાં ર૦ લાખનો ઉલ્લેખ હોવાથી બાકીના ૧પ લાખનો ટાંગામેળ  મેળવવા પોલીસ સક્રિય બની છે.

(11:56 am IST)