Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

હવે ૧૪મી જુલાઈથી હીરાના કારખાના ચાલુ થશે : રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી

હીરા ઉદ્યોગ-ટેક્સટાઈલ અંગે મહત્વની જાહેરાત : ટેક્ષટાઈલ અંગે સીઆર પાટીલના વડપણ હેઠળ મિટિંગ સુરત મ્યુનિસિપલ કમિશનરના નિર્ણયને બદલવામાં આવ્યો

સુરત, તા. ૦૬ : સુરત શહેરમાં કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે જેને પગલે સુરતનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સુરતની મુલાકાત લીધી હતી, જેમાં કાપડ અને હીરા ઉદ્યોગને ચાલુ રાખવા માટે કેટલીક શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે, ત્યારે હવે રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ૧૦મી જુલાઈથી હીરા ઉદ્યોગ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત કાપડ માર્કેટ અંગે પણ સાંસદ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. તેમાં સુરત મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય બદલી હવે માત્ર એક ફ્લોર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અગાઉ જીસ્ઝ્ર કમિશનરે જાહેરાત કરી હતી કે, યૂનિટમાં કે માર્કેટમાં કોરોનાનો કેસ આવશે તો માર્કેટ યુનિટને ક્લસ્ટર તરીકે ગણી દિવસ માટે બંધ કરવામાં આવશે.

           સુરતમાં કોરોનાના કેસો વધતા હિરાના કારખાના બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ઉદ્યોગોને ફરીથી ધમધમતા કરવાની જાહેરાત કરી છે. કુમાર કાનાણીએ જણાવ્યુ છે કે, આગામી ૧૦મી જુલાઈથી હીરા બજાર ચાલુ થશે. તેમજ આગામી ૧૪મી જુલાઈથી હીરાના કારખાના ચાલુ થશે. હીરા બજાર અને કારખાના માટે અલગથી ગાઈડલાઈન આપવામાં આવશે. ગાઈડલાઈનનો કડક અમલ કરવામાં આવશે. ઉપરાંત સુરતના કાપડ માર્કેટ અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સાંસદ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં સુરત મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે યુનિટ માર્કેટમાં કોરાનાના એક કે તેથી વધુ કેસ આવશે તો માત્ર જે-તે ફ્લોરને બંધ કરવામાં આવશે. આખા વિસ્તારને ક્લસ્ટર જાહેર કરવામાં આવશે.

             અગાઉ સુરત મનપા કમિશ્નર બાંછંનિધિ પાની દ્વારા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ ટેક્ષટાઈલ માર્કેટ યુનિટ પૈકી જે માર્કેટ યુનિટમાં એક કે તેથી વધુ કેસો આવે તો તે માર્કેટ યુનિટને ક્લસ્ટર તરીકે ગણી  ૦૭ દિવસ માટે બંધ કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ બાદ સુરત શહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. રવિવારે ૨૧૮ પોઝિટિવ કેસો સાથે ૫૬૯૩ કુલ કેસો થયા છે. સુરતમાં સેન્ટ્રલ અને લિંબાયત ઝોન બાદ કતારગામ અને વરાછા અને બી ઝોનમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. કતારગામ ઝોનમાં ૧૪૯૬, વરાછા ઝોનમાં ૭૦૬ અને વરાછા બી ઝોનમાં ૪૬૨ પોઝિટિવ કેસો અત્યાર સુધી નોંધાયા છે. ખાસ કરી ને હીરા અને કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા કર્મચારીઓ અને તેમના પરિવારજનો હાલ કોરોનાનો શિકાર બની રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બન્ને ઉદ્યોગો માટે નવી પોલિસી બનાવી કામકાજ ચાલુ રાખવા નિર્દેશ કર્યો હતો. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને હીરા ઉદ્યોગ અને સાંસદ સી આર પાટીલને કાપડ ઉદ્યોગની જવાબદારી આપવામાં આવી છે. બન્ને ઉદ્યોગ માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બેઠક બાદ નવી ગાઈડલાઈન સાથે ઉદ્યોગ ચાલુ રખાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

             સોમવારે બપોરે બેઠક બાદ નવા નિયમો જાહેર કરવામાં આવશે. દુકાનોમાં ભીડ થતી હોવાને કારણે લોકો માસ્ક પહેરતા નથી સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરતા કોરોનાનો ચેપ વધુ વિસ્તરી રહ્યો છે. ત્યારે દુકાનદારોએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. દુકાનમાં આવતા ગ્રાહકોને માસ્ક હોય તો પ્રવેશ આપવાનો રહેશે. જો કે દુકાનદાર નિયમોનું પાલન કરવા બેદરકારી દાખવે તો તેને રૂપિયા પાંચ હજાર દંડ કરવામાં આવશે. સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઈઝિંગ સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

(10:12 pm IST)