News of Saturday, 7th July 2018

રથયાત્રાની સલામતિને લઈ બેઠક :પરિસ્થિતિની સમીક્ષા

પ્રદીપસિંહ જાડેજાએ જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા : ગૃહરાજયપ્રધાને ઉચ્ચ પોલીસ અધિકારી, કોર્પોરેશન અને આઇબી સહિતની સુરક્ષા એજન્સીઓની સાથે બેઠક યોજી

અમદાવાદ,તા.૭ : આગામી શનિવારે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૧મી ભવ્ય અને પરંપરાગત રથયાત્રા નીકળનાર છે ત્યારે તે પહેલાં રથયાત્રા અને નાગરિકોની સુરક્ષા સહિતના પાસાઓને લઇ ગૃહરાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આજે રાજયના ડીજીપી શિવાનંદ ઝા, શહેર પોલીસ કમિશનર એ.કે.સિંહ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ખૂબ જ મહત્વની બેઠક યોજી હતી. ગૃહરાજયપ્રધાને પોલીસ તંત્ર પાસેથી રથયાત્રાની સુરક્ષાને લઇ પોલીસનો એકશન પ્લાન જાણ્યો હતો અને કેટલાક અગત્યના સૂચનો પણ કર્યા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે હવે માંડ અઠવાડિયાનો સમય બાકી છે ત્યારે પોલીસ દ્વારા છેલ્લા દસ દિવસથી શહેરભરમાં સુરક્ષાને લઇ ખાસ કરીને રથયાત્રાના સમગ્ર રૂટ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા અને નાગરિકોની સલામતીને લઇ ભારે જહેમતભરી કવાયત શરૂ કરી દેવાઇ છે. પોલીસ દ્વારા રૂટના માર્ગો પર ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં મહત્વના પોઇન્ટ પર આ વખતે વધારાના સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. રથયાત્રા પહેલાં પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર રાત-દિવસ સતત પેટ્રોલીંગ અને સઘન ચેકીંગ પણ હાથ ધરાઇ રહ્યા છે. દરમ્યાન ગૃહરાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ ખાતે યોજાયેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, રાજયના ગૃહ સચિવ, અમ્યુકોના અધિકારીઓ, શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ સહિત પોલીસ તંત્રના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, આઇબીના અધિકારીઓ સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા. બેઠકમાં ગૃહરાજયપ્રધાને રથયાત્રામાં કેટલો પોલીસ બંદોબસ્ત ફાળવવો, હોમગાર્ડ, એલઆરડી સહિતના સુરક્ષા જવાનો કઇ રીતે મદદ લેવી, તેમના પોઇન્ટની ગોઠવણી, બહારથી કેટલી સુરક્ષા કંપનીઓ મંગાવવી, સીસીટીવી કેમેરા, ડ્રોન મશીનની સુરક્ષાત્મક વ્યૂહરચના સહિતના મુદ્દાઓને લઇ ઝીણવટભરી ચર્ચા વિચારણા હાથ ધરી હતી અને સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

બેઠક બાદ ગૃહરાજયપ્રધાને જમાલપુર ખાતેના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે વિશેષ મુલાકાત લીધી હતી અને ત્યાં પણ સુરક્ષાના પગલા અને વ્યવસ્થાનું નીરીક્ષણ કર્યું હતું. ગૃહરાજયપ્રધાને ભગવાન જગન્નાથજીના દર્શન પણ કર્યા હતા અને ત્યારબાદ મંદિર પરિસર અને તેની બહાર ફરતે સુરક્ષા કવચને લઇ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા હાથ ધરી હતી. એ પછી ગૃહરાજયપ્રધાને રથયાત્રાના પરંપરાગત રૂટ પર પણ નીરીક્ષણ કર્યું હતું અને પોલીસની સુરક્ષા વ્યવસ્થા, સલામતી પોઇન્ટ, સીસીટીવી કેમેરા, ધાબા પોઇન્ટ સહિતના મુદ્દાઓની જાત માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમ્યાન ગૃહરાજય પ્રધાને ખુદ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેટલાક મહત્વના સૂચનો પણ કર્યા હતા અને તેની તાત્કાલિક અમલવારી કરવા પણ તાકીદ કરી હતી.

 

(8:26 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જયપુરમાં જબરી રેલી : કલ્યાણકારી યોજનાના 33 જિલ્લાઓનાં લાભાર્થીઓ સાથે મોદી કરશે સંવાદ :5579 જેટલી બસો પણ બુક :અંદાજે 7.22 કરોડનો ખર્ચ થશે:કાર્યક્રમમાં 2.5 લાખ લાભાર્થીઓ એકઠા થશે તેવું અનુમાન access_time 1:18 am IST

  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST

  • સતત ચોથા દિવસે પણ ગોવામાં ભારે વરસાદ : નાગપુર વિમાની સેવાને અસરઃ ૧૯૯૪ બાદ ગોવામાં સૌથી ભારે વરસાદઃ કોંકણ-વિદર્ભ માટે રેડ એલર્ટ જાહેર કરાયું : પણજી, માપુસા, વાસ્કો અને મડગાવમાં સતત ધોધમાર વરસાદઃ નીંચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યા access_time 1:27 pm IST