Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

પોલીસ ધરપકડ કરે તે પહેલાજ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી પહોંચ્યા DSP ઓફિસ : ઇન્ક્લાબ ઝિંદાબાદના લગાવ્યા નારા : મોટી સંખ્યામાં સમર્થકો સાથે : કચેરી ખાતે ખડકાયો મોટા પ્રમાણમાં પોલીસ કાફલો

ગાંધીનગર : ગાંધીનગરમાં મહિલાના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને જનતા રેડ કરવા અંગે ત્રણ યુવા નેતા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી સામે ગુનોં નોંધાયો છે. આ ત્રણે નેતાઓ સામે ચાલીને પોતાની ધરપકડ વ્હોરવા DSP કચેરીએ પહોંચ્યા છે. જ્યાં તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા આ ત્રણેય નેતાઓએ ઇન્ક્લાબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આ ત્રણેય નેતાઓની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ઉમટી પડ્યા છે. બીજી તરફ અહીં કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ અહીં તૈનાત કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીને પોલીસ અધિક્ષક કચેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. બાકી બધાને ગેટ બહાર રાખવામાં આવ્યા છે.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, "ખોટી રીતે દાદાગીરી કરીને ધમકાવવામાં આવે છે એની સામે અમારી લડાઈ છે. ડીએસપીની સાખ બચાવવા માટે આ બધું ચાલી રહ્યું છે. જેટલા પ્રમાણમાં દારૂ પકડાયો હોય એ પ્રમાણે કાર્યવાહી કરો નહીં કે, દારૂ પકડનાર ઉપર કરવી. ગુજરાતમાં દારૂનો વેપાર ચાલી રહ્યો છે. એની સામે અમારો વિરોધ છે."

તો અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, "આ ઘટનાનું ઓન કેમેરા પંચનામું કર્યું છે અને અમે કોમેન્ટ પણ કરી હતી કે, આ પાણીમાં ન ખપાવી દેતા. પરંતુ પાણીની વાત છોડો અમને જ બુટલેગર બનાવી દીધા. ગુજરાતની સરકારને દારૂ બંધીમાં રસ નથી. જેલમાં પુરવો હોય તો પુરો, અમે રોકાવાના નથી." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "અમે આ રેડ ચાલું જ રાખીશું. હું રાધનપુરથી નીકળીને ગાંધીનગર જઇશ ત્યારે રસ્તામાં રેડ પાડતો પાડતો આવીશ. દમ સાથે નીકળીશ. જેલમાં પુરવો હોય તો પુરી દો પરંતુ અમે નહીં રોકાઈએ." બીજી તરફ મહિલાએ કરેલા દારૂ પ્લાનના આરોપોને પણ અલ્પેશ ઠાકોરે નકારી કાઢ્યો હતો.

(7:43 pm IST)