Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ટયુશન પ્રથા પર કાયમી રોક માટે હાઇકોર્ટમાં અરજી થઈ

આગામી સપ્તાહમાં અરજી પર સુનાવણી કરાશે :ટયુશન પર પ્રતિબંધનો કાયદો હોવા છતાં તેનો અસરકારક અમલ નહી :અતિ મહત્વની પીઆઇએલ કરવામાં આવી

અમદાવાદ,તા.૭ :રાજયભરમાં ગ્રાંટેડ અને નોન ગ્રાંટેડ શાળાઓના શિક્ષકો દ્વારા ગેરકાયદે રીતે ધમધમતી ટયુશનની બદી સામે ગુજરાત હાઇકોર્ટમાં એક મહત્વની જાહેર રિટ અરજી દાખલ કરવામાં આવી છે. ફેડરેશન ઓફ એકેડમીક એસોસીએશન ઓફ ગુજરાતના હેમાંગ રાવલ તરફથી કરાયેલી આ જાહેરહિતની રિટ અરજીમાં રાજય સરકાર, શિક્ષણ વિભાગ સહિતના સત્તાવાળાઓને પ્રતિવાદી પક્ષકારો તરીકે દર્શાવવામાં આવ્યા છે. રાજયના વિદ્યાર્થીઓ અને વાલીઓના વ્યાપક હિતમાં દાખલ કરાયેલી આ પીઆઇએલની સુનાવણી આગામી સપ્તાહમાં ચીફ જસ્ટિસની કોર્ટમાં નીકળે તેવી શકયતા છે. ફેડરેશન ઓફ એકેડમીક એસોસીએશન ઓફ ગુજરાતના હેમાંગ રાવલ તરફથી કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં એડવોકેટ સૂરજ શુકલા તરફથી એ  મતલબના મહત્વના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, ગુજરાત સરકારના તા.૩૦-૪-૨૦૦૨ના અધિનિયમ અને જાહેરનામા મુજબ, રાજયની કોઇપણ ગ્રાંટેડ કે નોન ગ્રાંટેડ શાળાના શિક્ષકો શાળા સિવાયના સમયમાં ટયુશન સહિતની કોઇપણ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિ કરી શકે નહી. ખુદ સરકારના કાયદામાં ટયુશનની બદી પર પાબંદી ફરમાવાયેલી હોવાછતાં વર્ષોથી રાજયભરમાં ગ્રાંટેડ અને નોન ગ્રાંટેડ શાળાના હજારો શિક્ષકો દ્વારા ગેરકાયદે રીતે ટયુશનની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. એટલું જ નહી, ખાસ કરીને ધોરણ-૧૦માં બોર્ડની પરીક્ષા જે ૭૦ માર્કસની લેવાય છે અને બાકીના ૩૦ માર્કસ શાળા દ્વારા મૂકવામાં આવતા હોય છે, તે પ્રથાનો ભારે દૂરપયોગ અને ગેરલાભ ઉઠાવી શિક્ષકો બોર્ડના વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને રીતસરના બ્લેકમેઇલ કરે છે અને ટયુશન ના બંધાવે તો, ઓછા માર્કસ આપવાની કે નાપાસ કરવાની ધમકીઓ આપતા હોય છે. આમ કરી, ટયુશનની બદી હેઠળ શિક્ષણનું વ્યાપારીકરણ અને કાળાબજાર આવા તત્વો કરી નાંખ્યું છે. અરજદારપક્ષ તરફથી આ સમગ્ર મામલે રાજયપાલ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીથી લઇ છેક પીએમઓ અને કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલય સહિતના સત્તાવાળાઓ સમક્ષ લેખિત અને મૌખિક વારંવાર રજૂઆતો કરી ટયુશન અધિનિયમનું પાલન કરાવવા અનેક વખત માંગણીઓ કરી છે. વારંવાર સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ આરટીઇ હેઠળ માહિતી પણ માંગવામાં આવી છે પરંતુ સરકારના સત્તાવાળાઓ દ્વારા આરટીઇનો જવાબ પણ સંતોષજનક અપાતો નથી. અરજદાર હેમાંગ રાવલ તરફથી એડવોકેટ સૂરજ શુકલાએ અમદાવાદની ૧૩ જેટલી સ્કૂલોના શિક્ષકો દ્વારા ગેરકાયદે રીતે ટયુશન કરતા હોવા સહિતની કેટલીક મહત્વની માહિતી પુરાવાઓ સાથે હાઇકોર્ટના રેકર્ડ પર રજૂ કરી છે. અરજદારપક્ષ તરફથી રાજય સરકારના સત્તાવાળાઓને ધોરણ-૧૦માં ૩૦ ઇન્ટર્નલ માર્કસની જે વ્યવસ્થા છે, તેની પુનઃસમીક્ષા કરવા પણ અનુરોધ કરાયો છે કે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકોના ટયુશનના બ્લેકમેઇલીંગથી બચી શકે. ટયુશન પર પ્રતિબંધ ફરમાવતો ખુદ સરકારનો કાયદો હોવાછતાં રાજયમાં તેનો કોઇ જ અસરકારક અમલ થતો નથી ત્યારે આ મામલે હાઇકોર્ટની દરમ્યાનગીરી અનિવાર્ય બની છે.

કઈ કઈ માંગ કરાઈ....

(૧)  ટયુશનની બદી પર પ્રતિબંધ ફરમાવતા સરકારના અધિનિયમ અને તા.૩૦-૪-૨૦૦૨નો કડકાઇથી અમલ કરાવો

(૨)  ગેરકાયદે રીતે ટયુશનની પ્રવૃત્તિ કરતાં કસૂરવાર શિક્ષકો વિરૂદ્ધ આજીવન સસ્પેન્શન સહિતની શિક્ષાત્મક કાર્યવાહી કરો

(૩)  ગેરકાયદે ટયુશન કરતાં શિક્ષકો વિરૂદ્ધ ક્રિમીનલ ઓફેન્સ કે કોગ્નીઝેબલ ઓફેન્સ સંબંધી પણ કાર્યવાહી કરો

(૪)  વિદ્યાર્થીઓ અને વાલીઓના વ્યાપક હિતમાં રાજયભરમાં શિક્ષકો દ્વારા ચાલતી ગેરકાયદે ટયુશન પ્રથા પર કાયમી પ્રતિબંધ ફરમાવો

(૫)  અરજદારપક્ષ દ્વારા સત્તાવાળાઓ સમક્ષ જે રજૂઆતો કરાઇ છે તેના અનુસંધાનમાં સરકાર દ્વારા શું પગલા લેવાયા તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાવો

(7:21 pm IST)