Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

સુરતમાં બે સ્‍કૂલ બસ વચ્ચે ટક્કરઃ ૨૦થી ૨પ બાળકોનો આબાદ બચાવઃ બસના ડ્રાઇવરને ગંભીર ઇજા

સુરતઃ, સુરતના ઓલપાડના અંભેટા ગામ પાસે વરસાદી વાતાવરણ વચ્ચે વહેલી સવારે બે સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નાની સ્કૂલ બસમાં બેઠેલા 20થી 25 જેટલા બાળકોને સદનસિબે આબાદ બચાવ થયો છે.  બસ ડ્રાઈવરની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

વહેલી સવારે ધ મિલેનિયમ સ્કૂલની બસ અને તપ્તી વિલે ઈન્ટરનેશનલ સ્કૂલની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને બસ વચ્ચેની ટક્કર એટલી જબરદસ્ત હતી કે, જેમાં તપ્તીવિલે સ્કૂલ બસની ડ્રાઈવર સાઈડ પૂરી અંદર દબાઈ ગઈ હતી. આ બસમાં લગભગ 20થી 25 બાળકો સવાર હતા.

બસના ઘાયલ ડ્રાઇવરને 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ વિદ્યાર્થીઓના વાલીને થતાં, તેમના જીવ તાળવે ચોટી ગયા હતા. જોકે, પોતાના બાળકોને સુરક્ષિત હોવાનું માલુમ પડતા માતા-પિતાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

રાજ્યના તમામ મોટા શહેરમાં મોટી મોટી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને લેવા-મૂકવા માટે બસની સુવિધા આપવામાં આવતી હોય છે, જેમાં બાળકને સુરક્ષિત સ્કૂલમાં સમયસર પહોંચાડવાની જવાબદારી બસ ડ્રાઈવર પર આવી જાય છે, કેટલીકવાર બસને ટાઈમસર સ્કૂલમાં પહોંચાડવા માટે બસ ડ્રાઈવર બાળકોની સુરક્ષાને નેવે મુકી ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા હોવાની ફરિયાદો પણ સામે આવતી હોય છે. આ અકસ્માતની ઘટનાના ફોટા જોઈ માલુમ થાય છે કે, બંને બસ વચ્ચેની ટક્કર કેટલી જબરદસ્ત હશે, એક બસનો તો ડ્રાઈવર સાઈડના આખા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે, ત્યારે મોટી બસના ડ્રાઈવર સાઈડ પર ઘણું નુકશાન જોવા મળી રહ્યું છે.

સ્કૂલ બસ માટે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન જાહેર કરી છે, પરંતુ મોટાભાગની સ્કૂલ બાળકોની સુરક્ષા પ્રત્યે બેદરકારી રાખે છે અને મનમાની ચલાવી સુપ્રિમકોર્ટની ગાઈડલાઈની અવગણના કરે છે, અને બાળકોના જીવ જોખમમાં મુકે છે. દરેક માતા પિતાએ સચેત રહી આ મુદ્દે ધ્યાન રાખવું જોઈએ કે તમે તમારા બાળકને જે સ્કૂલ બસમાં મોકલો ચો તે કેટલી સેફ છે.

શું છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ? :

- વાહનની આગળ-પાછળ સ્કૂલ બસ લખેલુ હોવું જોઈએ.

- સ્કૂલ બસમાં સ્પીડ ગવર્નર્સ લાગેલા હોવા જોઈએ અને સ્પીડ લિમિટ 40 કિલોમીટરથી વધારે ન હોવી જોઈએ.

- 12 વર્ષથી વધારે ઉંમરની બાળકોની એક વ્યક્તિ તરીકે ગણતરી કરવી જોઈએ

- બસની પાછળ સ્કૂલનું નામ અને ટેલિફોન નંબર સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ.

- ભાડાની બસ હોય તો સ્કૂલ ડ્યુટીલખેલું હોવું જોઈએ.

- સ્કૂલ બસનો રંગ પીળો હોવો જોઈએ.

- બસમાં ફરજિયાત એક અટેન્ડેન્ટ હોવો જરુરી છે.

- સ્કૂલ બસ અથવા વાનમાં ક્ષમતા કરતા વધારે બાળકોને ન બેસાડવા જોઈએ.

- બસમાં ફર્સ્ટ એડ બોક્સ ફરજિયાત હોવું જોઈએ.

- બસમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોવી જોઈએ.

- બસની બારીઓમાં લોખંડની ગ્રીલ હોવી જોઈએ.

- બસના દરવાજા મજબૂત હોવા જોઈએ અને વ્યવસ્થિત બંધ હોવા જોઈએ.

- સ્કૂલ બેગ્સ મુકવા બસની સીટની નીચે જગ્યા હોવી જોઈએ.

- જીપીએસ અને સીસીટીવી કેમેરા દરેક બસમાં હોવા જોઇએ અને ચાલુ સ્થિતિમાં હોવા જોઇએ, પરંતુ સ્કૂલબસમાં બંનેમાંથી એક પણ સિસ્ટમ લગાવેલી નથી.

- બસમાં વિદ્યાર્થીઓને સુરક્ષા આપવા અને સહી-સલામત ઘર સુધી ઉતારવા લેડી ગાર્ડ હોવા જરૂરી છે, જેની જવાબદારી બાળકોને સુર‌ક્ષિત રીતે પહોંચાડવાની છે.

- બસમાં ડ્રાઇવર પાસે તેની બસમાં આવતા દરેક વિદ્યાર્થીનાં નામ, ઉંમર, એડ્રેસ, બ્લડ ગ્રૂપ, કયા ધોરણમાં અભ્યાસ કરે છે, ફોનનંબર અને રૂટ પ્લાન હોવો ફર‌જિયાત છે. એક પણ બસના ડ્રાઇવર નિયમને અનુસરતા નથી.

- સીબીએસસીની ગાઇડલાઇનનું પાલન ન કરનાર સ્કૂલનું એફિલિયેશન રદ થઇ શકે છે.

(5:46 pm IST)