Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ગાંધીનગરમાં કુચ કરીને દરરોજ દારૂ વેચાનારા લોકોના ઘરે દરોડા પાડીશુઃ પોલીસ બુટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે ધારાસભ્યોની સામે કાર્યવાહી કરીઃ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની સટાસટી

ગાંધીનગરઃ ગાંધીનગરમાં જનતા રેડ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે સટાસટી બોલાવી છે.

જનતા રેડ બાબતે ગાંધીનગર ખાતે ગુનો નોંધાયા બાદ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે આગામી દિવસોમાં આ આંદોલન વધારે મજબૂત બનાવવાની વાત કહી છે. બંને નેતાઓએ ગાંધીનગરમાં જ કૂચ કરીને દરરોજ દારૂ વેચનાર લોકોના ઘરે રેડ કરવાની ચીમકી ઉચ્ચારી છે. જનતા રેડ મામલે ગુનો નોંધાવા બાબતે બંને નેતાઓએ કહ્યું હતું કે પોલીસ બૂટલેગર સામે કાર્યવાહી કરવાના બદલે કેમને સામે કેસ કર્યો છે તેનાથી એ વાત સાબિત થાય છે કે રાજ્યમાં બૂટલેગરોનું રાજ છે. બંને નેતાઓએ હવે લાખો યુવાનો સાથે ગાંધીનગર તરફ કૂચ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, "મને મારા અને ગુજરાતની જનતા પર દયા આવે છે. બૂટલેગરોને ત્યાં ઓન કેમેરા રેડ કરવામાં આવી હતી. તેણે કેમેરા સામે પણ કબૂલ કર્યું હતું કે તેઓ દારૂ વેચતા હતા. પોલીસે પણ અમારી સામે જ પંચનામું કરીને એક વ્યક્તિની ધરપકડ કરી હતી. હવે પોલીસ બૂટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે ધારાસભ્યો સામે કાર્યવાહી કરી રહી છે ત્યારે ગુજરાતની સામાન્ય જનતાની હાલત શું  હશે તે સમજી શકાય છે. અમારી સામેની ફરિયાદ બતાવે છે કે ગુજરાત પોલીસ બૂટલેગરોની હામી ભરે છે અને રાજ્યમાં બૂટલેગરોનું જ રાજ ચાલે છે. "

"ગુજરાતમાં દર વર્ષે 10થી 15 હજાર જેટલા લોકો દારૂને કારણે મોતને ભેટે છે. રાજ્યમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. બુટલેગરો કાયદાતંત્રને ઘોળીને પી ગયા છે. પોલીસ પણ બૂટલેગરોને ત્યાં ગીરવે મૂકાઈ ગઈ છે. હવે આગામી સમયમાં અમે આ અભિયાન ચાલુ જ રાખીશું. અમે લાખો યુવાનો સાથે ગાંધીનગર તરફ કૂચ કરીશું. અમારા પર નોંધાયેલા કેસથી એવું સાબિત થયું છે કે ગુજરાતમાં જે લોકો બદીઓ દૂર કરવાનું કામ કરશે તેમને કાયદાની જાળમાં ફસાવી દેવામાં આવશે. આ ખરેખરે દુર્ભાગ્યપૂર્ણ વાત છે. "

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, "આ કેસ પરથી સાબિત થઈ ગયું છે કે દારૂના ધંધા કરી રહેલા લોકો પોલીસના દમ પર કામ કરી રહ્યા છે. અમે ડીએસપી કચેરી સામે જ રેડ કરીને દારૂ પકડ્યો હતો, એટલે કચેરી સામે દારૂ નથી વેચાતો તેવું સાબિત કરવા માટે આ કેસ કરવામાં આવ્યો છે. પોલીસે દારૂના વેપારીઓને મજબૂત કરવાનું કામ કર્યું છે. અમારી સામે કેસ કરીને પોલીસ એવું માનવાની ભૂલ ન કરે કે અમે શાંતિથી બેસી જઈશું. અમારી ત્રિપુટીની દારૂ સામેની લડાઈ ચાલુ જ રહશે."

(5:45 pm IST)