Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ગુજરાતમાં ૨૦૧૬ કરતા ૨૦૧૭ માં માર્ગ અકસ્માતો ૧૨.૭ ટકા ઘટયા

માર્ગ સલામતી સતા મંડળ અને પરિષદની પ્રથમ બેઠકમાં સરકારનો દાવો

ગાંધીનગર, તા. ૭ : રાજયના વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી. ફળદુના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ગુજરાત રાજય રોડ સેફ્ટી કાઉન્સીલ અને ગુજરાત રાજય રોડ સેફ્ટી ઓથોરીટીની આ પ્રથમ મિટીંગમાં મંત્રીશ્રીએ માર્ગ સલામતી સાથે સંકળાયેલ તમામ વિભાગોને અને પ્રત્યેક નાગરિકને  ખભેખભા મિલાવી રાજયમાં થતા માર્ગ અકસ્માતો દ્યટાડવા પરીણામલક્ષી કાર્ય કરવા જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજય સરકાર માર્ગ સલામતિ બાબતે કટીબદ્ઘ હોવાનું જણાવી મંત્રીશ્રીએ સરકારના તમામ વિભાગો આ બાબતે સંવેદનશીલ થાય તે પર ભાર મૂકયો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા સત્રમાં આ ઓથોરીટીની રચના માટે કાયદો પસાર કરવામાં આવ્યો હતો. રોડ સેફ્ટી ક્ષેત્રે જવાબદાર તમામ સરકારી વિભાગો એન.જી.ઓ., સ્વૈચ્છિક વ્યકિતઓ/સંસ્થાઓ, કોર્પોરેટ સેકટરના અસરકારક સંકલન માટે અને રોડ સેફટી માટે અસરકારક દિશા નિર્દેશ આપી શકાય તેના માટે ગુજરાત રાજય રોડ સેફટી ઓથોરીટીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારના તમામ વિભાગો દ્વારા થતા કાર્યોની સમિક્ષા માટે રાજય માર્ગ સલામતી પરિષદની રચના થયેલ છે. આ કાઉન્સિલની પ્રથમ બેઠક વાહનવ્યવહાર મંત્રી શ્રી આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને અને વાહન વ્યવહાર રાજયકક્ષાના મંત્રી શ્રી ઈશ્વર પટેલની ઉપસ્થિતિમાં મળી હતી.

(3:17 pm IST)