Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ડાંગ - તાપી જિલ્લામાં સાંબેલાધાર વરસાદ

સોનગઢમાં સૌથી વધુ ૯ ઇંચ : વધઇમાં ૭ ઇંચ ખાબક્‍યો : નર્મદાના સાગબારામાં ૬ ઇંચ : પરવાડા - વાસંદામાં ૩-૩ ઇંચ : આહવા - સાપુતારામાં ભારે વરસાદ : પ્રવાસીઓ ઝુમી ઉઠયા : ૧૬ જેટલા કોઝવે ઉપર પાણી ફરી વળ્‍યું : ડાંગના અનેક ગામો સંપર્ક વિહોણા

રાજકોટ, તા. ૭ :. દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગઈરાતથી ધોધમાર વરસતા જનજીવનને અસર થઈ છે તથા અનેક ગામડાઓનો સંપર્ક તૂટી ગયો હોવાનું જાણવા મળે છે.

મળતી માહિતી મુજબ સૌથી વધુ વરસાદ સોનગઢમાં ૯ ઈંચ તો ડાંગના વધઈમાં ૭ ઈંચ વરસાદ પડયો છે. જ્‍યારે નર્મદાના સાગબારામાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. કપરવાડા, વાસંદામાં પણ ૩ - ૩ ઈંચ વરસાદ પડી ગયો છે.

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસ્‍યો હોવાના વાવડ છે. વધઈમાં સૌથી વધુ ૭ ઈંચ વરસાદ પડી ગયો છે. આહવા અને સાપુતારા પણ પાણી પાણી થઈ ગયા છે. પ્રવાસી સ્‍થળ સાપુતારામાં ભારે વરસાદને કારણે પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠયા છે અને વરસાદની મજા માણી રહ્યા છે.

તાપી જિલ્લામાં પણ ગઈકાલ રાતથી ભારે વરસાદ વરસી રહ્યો હોવાનું જાણવા મળે છે. કપરવાડા અને વ્‍યારામાં પણ વરસાદ સારા પ્રમાણમાં નોંધાયો છે. ડાંગ જિલ્લામાં ૧૬ જેટલા કોઝવે ઉપર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક તૂટી ગયાનું જાણવા મળે છે.

ભારે વરસાદને કારણે અનેક રસ્‍તાઓ ધોવાઈ જતા રસ્‍તા પરના ટ્રાફીકને પણ અસર થઈ છે.

(4:54 pm IST)