Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

દર વર્ષે ચાર મહિના બંધ જ રહેશે દહેજ - ઘોઘા રો રો ફેરી સર્વિસ!

ચોમાસા દરમિયાન અરબી સમુદ્રમાં આવતા હાઇટાઇડ અને ભારે કરંટના કારણે આ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે

અમદાવાદ તો ૭ : : દેશનો અલાયદો કહેવાતો દહેજ-ઘોઘા રો રો (ધ રોલ ઓન રોલ ઓફ પેસેન્જર) ફેરી સર્વિસ દર વર્ષે ચોમાસા દરમિયાન બંધ રહેશે. ગુજરાત સરકાર દ્વારા જુન અને સપ્ટેમ્બર દરમિયાનના સમયગાળામાં ચોમાસા દરમિયાન અરબી સમુદ્રમાં આવતા હાઈટાઈડ અને ભારે કરંટના કારણે આ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

ચાઈનાથી બે મહિના અગાઉ વેસલ પણ ભારત આવવા માટે રવાના થઈ ગયું છે. જે તાઈવાન પહોંચ્યુ છે. આ વેસલ સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારત પહોંચી જશે. વેસલ લિંક સ્પાન એ રો-રો સર્વિસનો એક અગત્યનો ભાગ છે. આ લિંક સ્પાન દરિયામાં આવતી ભરતી-ઓટને કારણે થતી હિલચાલથી ફેરીને રક્ષણ આપે છે. જોકે, દરિયામાં ભરતી-ઓટ ચાલુ રહેવાથી છ જૂનથી આ સર્વિસ બંધ કરવામાં આવી છે.

ગુજરાત મેરિટાઇમ બોર્ડના ચીફ એકઝેકયુટિવ ઓફિસર અજય ભાદુએ કહ્યું હતું કે, 'ચોમાસા દરમિયાન અરેબિયન સમુદ્રમાં ભારે કરંટ જોવા મળે છે અને દરિયો પણ તોફાની બનતો હોય છે. આ કારણોસર રો રો ફેરી સર્વિસ બંધ રાખવી જ હિતાવહ છે. અમે તાજેતરમાં જ એ પણ અવલોકન કર્યું છે કે મોજા શિપને અથડાતાં હોય છે. જેથી ફેરી વધુ હાલક-ડોલક થવાથી મુસાફરોને ઉલટી પણ આવવા લાગે છે. ક્રૂ મેમ્બર્સને પણ આવો જ અનુભવ થાય છે. આ કારણોસર અમે ફેરી બંધ કરવાનો નિર્ણય લીધો છે.'

નોંધનીય છે કે રો રો ફેરી સર્વિસ શરૂ થવાથી મુસાફરોને દહેજ-ઘોઘા વચ્ચેનું અંતર કાપવામાં ખૂબ જ સરળતા થતી હતી. આ ફેરી માત્ર એક જ કલાકમાં એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડે છે. જે સફર રસ્તા દ્વારા આશરે નવ કલાક જેટલી થાય છે. આ ફેરી સર્વિસનું ઉધ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે નવેમ્બરમાં કર્યું હતું. આ ફેરી સર્વિસ મુસાફરો ઉપરાંત કાર્ગો ટ્રાન્સપોર્ટનો પણ અલાયદો અનુભવ આપશે.

(10:41 am IST)