Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

વડોદરા ભાજપના મહામંત્રી સદાનંદ દેસાઇઅે કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતાના ચૂંટણી પ્રચારની ફેસબુક પોસ્ટ શેર કરતા ભારે વિવાદ

વડોદરાઃ હાલમાં વડોદરામાં વોર્ડ નંબર-11ની પેટા ચૂંટણી ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતાની સારી કામગીરી કરતી એક પોસ્ટ ભાજપના મહામંત્રીએ લાઇક કરીને શેર કરી હતી. જેના બાદમાં તેઓ વિવાદમાં સપડાયા છે. તેમણે તાજેતરમાં જ એક કાર્યકર સામે શિસ્તભંગના પગલા લેતા તેને સસ્પેન્ડ કરી દીધો હતો. આ વાત ધ્યાનમાં આવ્યા બાદ ભાજપના જ કેટલાક લોકો તેમની સામે કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. ભાજપના કાર્યકરો આ મામલે શહેરના સંગઠનના હોદેદારો સામે રજુઆત કરશે.

શહેર ભાજપ મહામંત્રી સદાનંદ દેસાઈએ કહ્યું હતું કે, "મારા ફોનમાંથી કોઈ બાળકે ભૂલથી આ પોસ્ટ લાઇક કરીને શેર કરી દીધી હતી. મને જ્યારે ખબર પડી ત્યારે મેં આ પોસ્ટ હટાવી દીધી હતી. કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતાને રાજકારણની કોઈ ખબર નથી. તેઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. હું પક્ષથી નારાજ નથી. પાર્ટીએ મને ખૂબ આપ્યું છે. મેં કોઈ મોટો ગુનો નથી કર્યો. જે થયું છે તે એક બાળકની ભૂલથી થયું છે. કોંગ્રેસના લોકો ચૂંટણી સમયે જ કામ કરવા બહાર નીકળે છે. બાકી તેઓ ક્યારેય દેખાત જ નથી."

અંગે કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા મહેતાએ ન્યૂઝ જણાવ્યું હતું કે, "દરેક લોકોએ સારું કામ કરવું જોઈએ. સદાનંદ દેસાઈએ શેર કરવાના બહાને પણ હું કામ કરી રહી છું તે ફોટો જોયો એટલું બહુ છે. ભાજપે 22 વર્ષથી જો સારું કામ કર્યું હોચ તો આજે રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાયા ન હોત. લોકોમાં ભાજપ પ્રત્યે ખૂબ જ આક્રોશ છે. તેમણે હું સારું કામ કરતી હોઈશ એટલે ફોટો શેર કર્યો હશે, આ બાબતે કોઈ સ્પર્ધા નથી."

(6:21 pm IST)