Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કોરોના કાળમાં રાજ્ય NCC દ્વારા શરુ કરાયેલ #EkMaiSauKeLiye અભિયાનને મળ્યું આંતરરાષ્ટ્રીય સન્માન

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડન દ્વારા ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ NCC નિદેશાલયને 'પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર' અપાયું

અમદાવાદ : કોરોના કાળમાં સલામતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય એન.સી.સી. દ્વારા શરૂ કરવામાં આવેલ #EkMaiSauKeLiye અભિયાનને આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા એન.સી.સી. નિર્દેશાલયને એક ઇ-મેઇલ મારફતે પ્રતિબધ્ધતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીના એન.સી.સી. નિર્દેશાલય દ્વારા સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામા આવેલ અભિયાન બદલ આપવામાં આવ્યું છે. આ અભિયાનનો સમગ્ર વિચાર તેના પ્રત્યેક શબ્દ ‘એક મૈ સો કે લીયે’ પર આધારિત છે. ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી NCCના અધિક મહાનિર્દેશક મેજર જનરલ અરવિંદ કપૂરે મૂળરૂપે આની પરિકલ્પના કરી છે. જેઓ બે વર્ષ સુધી લેહ-લદાખમાં ફરજ નિભાવ્યા બાદ તાજતેરમાં ગુજરાતમાં નિમણૂક પામ્યા છે. આ અભિયાન એક અનન્ય પહેલ છે જેમાં રાજ્યમાં ઘણી મોટી સંખ્યામાં NCCના કેડેટ્સે રાષ્ટ્રના એક જવાબદાર અને શિસ્તપૂર્ણ નાગરિક તરીકે પોતાને તૈયાર કર્યા છે. તેઓ જે સમાજમાં રહે છે તેના પ્રત્યે પોતાનું સામાજિક ઋણ અદા કરવા માટે આગળ આવ્યા છે. હાલમાં તેઓ કોવિડ-19 મહામારીની તીવ્ર અસરો હેઠળ સેવા આપી રહ્યાં છે.

આ અભિયાનનો પ્રારંભ મેં 2021માં કરવામાં આવ્યો છે જેનો તબક્કો-3 હાલમાં ચાલી રહ્યો છે. પ્રારંભથી જ આ અભિયાનમાં લોકો એકજૂથ થઇ જોડાઇ રહ્યા છે. પ્રથમ તબક્કાનો પ્રારંભ 3 મે 2021ના રોજ થયો હતો, જેમાં ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી NCC નિદેશાલયના પ્રત્યેક કેડેટ મોબાઇલ ફોનના માધ્યમથી તેમના સેંકડો સંબંધીઓ અને મિત્રો તેમજ પરિચિતો સાથે જોડાઇ કોવિડ અંગે યોગ્ય વર્તણૂક વિશે તેમનામાં જાગૃતિ સંદેશાઓ ફેલાવ્યા હતા અને રસીકરણનું મહત્વ તેમને સમજાવ્યું હતું. સાથે સાથે માણસથી માણસના સ્પર્શ સાથે તેમનું મનોબળ વધાર્યું હતું અને ભાવનાત્મક સહકાર આપ્યો હતો. આ અભિયાનના ભાગરૂપે, NCC કેડેટ્સ એક ઊંડા ભાવનાત્મક જોડાણની પ્રક્રિયામાંથી પસાર થયા હતા જેમાં તેમણે પોતાના મોબાઇલ ફોનના સંવાદોના ટૂંકા વીડિયો બનાવ્યા હતા અને તેને સંબંધિત પોતાના કેટલાક અનુભવો પણ પોસ્ટ કર્યા હતા. અભિયાનના આ હિસ્સાને લોકો તરફથી પ્રચંડ પ્રતિભાવ મળ્યો હતો અને તેના કારણે કેડેટ્સ આ અભિયાનને વધુ આગળ વધારવા માટે ઘણા પ્રેરિત થયા હતા.

#EkMaiSauKeLiye અભિયાનના બીજા તબક્કામાં, ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી NCC નિર્દેશાલયના કેડેટ્સ તેમના મોબાઇલ ફોન દ્વારા વૃદ્ધાશ્રમોના વડીલો સાથે જોડાવાનું શરૂ કર્યું હતું. તેની પાછળનો મૂળ ઉદ્દેશ વૃદ્ધાશ્રમના વડીલો પ્રત્યે ઊંડા પ્રેમ અને આદરની ભાવના અભિવ્યક્ત કરવાનો તેમજ તેમનો જુસ્સો વધારવાનો અને “અમે સંભાળ લઇએ છીએ” તેવી ભાવના તેમના પ્રત્યે વ્યક્ત કરવાનો હતો. સરવાળે આનો ઉદ્દેશ વૃદ્ધાશ્રમના વડીલો અને NCCના કેડેટ્સ એમ બંને પક્ષે સારો અહેસાસ કરાવવાનો હતો.

આ અભિયાનનો ત્રીજો તબક્કો 22 મે 2021ના રોજથી શરૂ થયો છે. આ તબક્કામાં, કેડેટ્સ ભારતીય સૈન્યના નિવૃત્ત કર્મચારીઓ અને શહીદોની વિધવાઓ જેમને આદરપૂર્વક વીરનારીઓ તરીકે ઓળખવામાં આવે છે, તેમની સાથે જોડાયા છે. એક તબક્કા પાછળ એકંદરે, આવા સમયમાં પણ અમે તેમના દ્વારા અને તેમના (વીરનારીઓના) પતિ દ્વારા રાષ્ટ્રને આપવામાં આવેલી સેવાને ભૂલ્યા નથી, તેવો સંદેશો તેમના સુધી પહોંચાડવાનો ઉદ્દેશ હતો.

આ ત્રણ તબક્કાના ભાગરૂપે, રાજ્ય સ્તરે વિગતવાર વિશ્લેષણો અને મહત્વપૂર્ણ તારણો તૈયાર કરવામાં આવ્યા હતા, તેને સંબંધિત સત્તાધિશો સાથે શેર કરવામાં આવ્યા હતા. આ તારણો અને વિશ્લેષણો NCCના કેડેટ્સ દ્વારા ટેલિફોન કૉલ્સ અને મીટિંગ્સ દ્વારા મોટી સંખ્યામાં ગુજરાતના લોકો સાથે જોડાઇને કરવામાં આવ્યા હતા. દરમિયાન, નીતી આયોગના CEO અને અધિકાર પ્રાપ્ત સમૂહ-3ના ચેરમેન અમિતાભ કાંત (જેઓ પોતે પણ NCC કેડેટ છે) ની અધ્યક્ષતામાં તાજેતરમાં એક વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેમણે યોગદાન કવાયત અંતર્ગત NCC દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, અમુક એવા કેટલાક ચોક્કસ ક્ષેત્રો છે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમ કે, કોવિડના પ્રોટોકોલનું પાલન કરવાના સંદર્ભમાં નાગરિક સમુદાયને સહકાર વધારવા માટેની ઑનલાઇન પદ્ધતિઓના પગલાં વધુ સઘન કરવા, તેમજ વૃદ્ધાશ્રમોમાં વડીલોને શારીરિક અને માનસિક સહકાર આપવા માટે તેમના સુધી પહોંચવું.

ગુજરાત NCC નિદેશાલય ખૂબ ગૌરવ સાથે કહે છે કે, અમિતાભ કાંતે જ્યારે આ જરૂરિયાત હોવાનું જણાવ્યું ત્યારે ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીમાં આ કામ પહેલાંથી જ ચાલી રહ્યું છે.

 

આ અભિયાનના ચોથા તબક્કાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્ણ થયા પછી 23 જૂન 2021ના રોજથી તેનો અમલ કરવામાં આવશે. તેમાં એનસીસી કેડેટ્સ કોરોના યોધ્ધાઓ જેવા કે ડોકટરો, નર્સો, વોર્ડ બોયઝ, એમ્બ્યુલન્સ ડ્રાયવરો અને હોસ્પિટલના સ્ટાફ વગેરેનો સંપર્ક કરશે. અને કટોકટીના સમયમાં તેમણે કરેલી કામગીરીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

 

ગુજરાત, દાદરાનગર હવેલી, દમણ અને દીવના અધિક મહાનિર્દેશક મેજર જનરલ અરવિંદ કપુરે જણાવ્યું કે, #EkMaiSauKeLiye અભિયાન સાથે ગુજરાત નિર્દેશાલયના પ્રયાસો શક્ય હોય ત્યાં સુધી ચાલુ જ રાખવામાં આવશે. તેમાં રાષ્ટ્ર નિર્માણને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતમાં સામાજિક સેવા અને સામુદાયિક વિકાસની અર્થપૂર્ણ પ્રવુત્તિઓ હાથ ધરવામાં આવશે.

(8:56 pm IST)