Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

અગ્નિકાંડ : આરોપીના કેસો ન લડવા માટેની અપીલ થઈ

પરિવાર-સુરતના લોકો દ્વારા વકીલોને વિનંતી : આગકાંડમાં હોમાયેલા પુત્ર-પુત્રીઓને ન્યાય અપાવવાની કોર્ટની બહાર બેનર સાથે અપીલ : આરોપીઓ પર સકંજો

અમદાવાદ,તા. ૭ : ગુજરાત સહિત દેશભરમાં ભારે ખળભળાટ મચાવનારા સુરત આગકાંડમાં હોમાઇ ગયેલા ૨૩ વિદ્યાર્થીઓના પરિવારજનો અને સ્થાનિક સુરતીવાસીઓએ આજે સુરત કોર્ટની બહાર હાથમાં બેનરો-પ્લેકાર્ડ લઇ સુરતના વકીલઆલમને બહુ હૃદયસ્પર્શી અનુરોધ કર્યો હતો કે, સુરત આગકાંડના આરોપીઓની તરફે તમે કોઇપણ કેસ લડશો નહી અને આ આરોપીઓને આકરામાં આકરી સજા થાય તે માટે આગકાંડમાં હોમાયેલા દિકરા-દિકરીઓને  ન્યાય અપાવો. સુરતના સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના કારણે ૨૩ વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજયા હતા. આ સમગ્ર દુર્ઘટનાને માનવસર્જીત ગણાવી પીડિત પરિવારજનો અને સુરતવાસીઓએ આજે સુરત જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તથા સુરત શહેરની તાબાની કોર્ટોના પ્રાંગણની બહાર આજે હાથમાં બેનરો-પ્લેકાર્ડ લઇ લાઇન લગાવી હતી અને સુરતના વકીલઆલમને બહુ હૃદયસ્પર્શી સંવેદના સાથે અનુરોધ કર્યો હતો કે, સુરત આગકાંડમાં માર્યા ગયેલા આ દિકરા-દિકરીઓ તમારા પણ હતા અને તેથી તેઓને તમે વકીલો ન્યાય અપાવો. આ જઘન્ય માનવસર્જીત દુર્ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ તરફે વકીલઆલમ કોઇ કેસ ના લડે કે આરોપીઓ તરફથી કોઇ વકીલ હાજર ના થાય. એટલું જ નહી, આ કેસના તમામ આરોપીઓને આકરામાં આકરી અને સમાજમાં એક સબક સમાન સજા થાય તેવી ઉગ્ર માંગણી પણ પીડિત પરિવારજનોએ કરી હતી.

પીડિતો તરફથી આ સંવેદનશીલ મુદ્દાને લઇ સુરતના વિવિધ બાર એસોસીએશન અને ગુજરાત બાર કાઉન્સીલ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે.

(9:26 pm IST)