Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

બાળકીનો અંગૂઠો કપાવવાના મુદ્દે બાળ સંરક્ષણમાં ફરિયાદ

વીએસમાં નર્સની ગંભીર બેદરકારીનો મામલો : પીડિત પરિવારને યોગ્ય વળતર આપવા તેમજ કસૂરવાર નર્સ સહિતના લોકો સામે આકરી કાર્યવાહી કરવા માંગણી

અમદાવાદ, તા.૭ :     શહેરની વી એસ હોસ્પિટલ ખાતેની સારવાર દરમ્યાન ફરજ પર હાજર અણઘડ નર્સની ગંભીર બેદરકારીના ગરીબ પરિવારની છ મહિનાની બાળકીનો અંગુઠો કપાઇ જવાના ચકચારભર્યા પ્રકરણમાં સામાજિક કાર્યકર અને ગુજરાત હાઇકોર્ટમાં અનેક જાહેરહિતની રિટ અરજીઓ દાખલ કરનાર ચંદ્રવદન ધ્રુવ દ્વારા ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ અધિકાર આયોગ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તેમણે આ કેસમાં પીડિત પરિવારને યોગ્ય વળતર આપવા અને કસૂરવાર નર્સ સહિતના જવાબદાર તમામ લોકો સામે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી છે. ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમક્ષ રજૂઆત કરતાં સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે જણાવ્યું હતું કે, આ બાબત ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ મામલો છે. આ કિસ્સામાં અણઘડ નર્સની સાથે સાથે ડોક્ટર પણ જવાબદાર ગણાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો આ બાબતે મૌન સેવી રહ્યા છે જે ખૂબજ દુઃખદ છે. રાજયના તમામ બાળકોને મળેલા બંધારણીય અધિકારનું રક્ષણ થાય તેની જવાબદારી ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગની રહેલી છે. આ દુર્ઘટનામાં જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી થાય અને ભોગ બનનાર બાળકીને તેના પરિવારને યોગ્ય નાણાંકીય વળતર આપવામાં આવે તેવી રજૂઆત ધ્રુવે ચેરપર્સનશ્રી, ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરને કરી હતી. જેને લઇને હવે સમગ્ર મામલો ગરમાયો છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ શહેરની વીએસ હોસ્પિટલમાં વધુ એક ગંભીર બેદરકારી સામે આવી હતી, જેમાં તાવની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલી છ મહિનાની બાળકીને ડોકટરેને તેને ગ્લુકોઝ બોટલ ચઢાવવા તેમ જ ઇન્જેકશન આપવા માટે ડાબા હાથ પર વિગો લગાવી હતી. જો કે, બાળકીને સારૂ થઇ જતાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાની હતી અને તેથી તેને ડિસ્ચાર્જ આપતી વખતે અણઘડ નર્સ દ્વારા વિગો બહાર કાઢવામાં ગંભીર બેદરકારી અને ચૂક દાખવી પાટો કાપવાની સાથે સાથે બાળકીને અંગૂઠો પણ કાપી નાંખ્યો હતો, જેને લઇ સમગ્ર સંકુલમાં ભારે ચકચાર મચી ગઇ હતી. માસૂમ બાળકીએ ભારે ચીસાચીસ અને રોકકળ મચાવી મૂકી હતી તો, તેના પરિવારજનો પણ બાળકીનું કરૂણ આક્રંદ જોઇ રડતા અને દોડતા થઇ ગયા હતા. સોય કાઢવા જતા નર્સે બાળકીનો અંગૂઠો કાપી નાંખ્યાના સમાચારને પગલે હોસ્પિટલ સંકુલમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આખરે બાળકીના પરિવારજનોએ સોનાલી પટણી નામની નર્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ હાથ ધરાઈ છે.

(8:20 pm IST)
  • ૨૪ કલાકમાં કેરળમાં ચોમાસુ પગલા માંડશે : ૨૦ જુન પછી ગુજરાતમાં ચોમાસુ બેસશેઃ ગુજરાતના હવામાનમાં પણ પલ્ટો આવ્યોઃ મુંબઇ-સુરતનું વાતાવરણ બદલાતુ જાય છેઃ સુરતના તમામ તાલુકામાં વાદળા ઘેરાયા છે : ડાંગ - આહવા - સાપુતારા - વધઇ - નવસારી - વલસાડ પંથકમાં પણ વાદળાઓ જમાવટ કરતા જાય છે access_time 1:07 pm IST

  • રાજકોટમાં સાંજે ૫ વાગ્યે તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ : ૧૩ કિ.મી.ની ઝડપે ગરમ લૂં ફૂંકાઈ access_time 6:19 pm IST

  • અમદાવાદના ખાનપુર ખાતે મહિલા કોંગ્રેસનો વિરોધ : ભાજપ ખાનપુર કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસે આવેદન પત્ર આપી અને બલરામ થાવાણીના રાજીનામાની કરી માંગ : બલરામ થાવાણીએ એક મહિલાને માર માર્યો હતો ત્યાર બાદ બંને પક્ષે સમાધાન થયેલ : આ બાબતે મહિલા કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યુ હતું access_time 6:17 pm IST