Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

હવે ઘર કે સોસાયટી આગળ વાહનો પાર્ક કર્યા તો ખેર નથી

કોર્પોરેશન-ટ્રાફિક પોલીસની જેટ ટીમ દ્વારા તપાસ : જેટની ટીમ દ્વારા પ્રથમ બે દિવસમાં ધમાકેદાર શરૂઆત

અમદાવાદ,તા. ૭ :     અમદાવાદ શહેરમાં જાહેરમાં કચરો, ગંદકી, ગેરકાયદે પોસ્ટર અને આડેધડ પાર્કિંગ સહિતની બદીઓને નાથવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ(જેટ) મારફતે શહેરના તમામ ૪૮ વોર્ડોમાં ઈ રિક્ષામાં સ્વચ્છતાની ઝુંબેશ ચાલુ કરાયું છે, જેમાં અમ્યુકોએ એક નવા કન્સેપ્ટ અને ખાસ કરીને સ્થાનિક નાગરિકોમાં બિરદાવાઇ રહેલા પગલાંમાં વિવિધ સોસાયટીઓ કે લોકોના ઘરો આગળ રીક્ષા, ઉબેર કાર સહિતના વાહનો પાર્ક કરી દેતાં તત્વો સામે કડકાઇથી કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. ગઇકાલે શહેરના શ્યામલ વિસ્તારમાં કેટલીક સોસાયટીઓ અને લોકોના ઘરો આગળ પાર્ક કરેલા વાહનો વિરૂધ્ધ કાર્યવાહી કરી જેટની ટીમે આકરો દંડ વસૂલ્યો હતો. જેટની આ ટીમની આ તવાઇને પગલે હવે લોકોના ઘરો કે સોસાયટી આગળ ખોટી રીતે વાહનો પાર્ક કરી અડચણ અને રંજાડગતિ ઉભી કરતા તત્વોની ખેર નથી. અમ્યુકો અને જેટી ટીમની આ કાર્યવાહીને એટલા માટે પણ બિરદાવાઇ રહી છે કે, ઘણીવાર રીક્ષાવાળા કે, ઉબેર જેવા વાહનો લોકોના ઘરો કે સોસાયટી આગળ અડચણરૂપ કે અંતરાયરૂપ રીતે પાર્ક કરી ઉલ્ટાનું સ્થાનિક રહીશો સાથે જ ઘર્ષણ કરતા હોય છે, જેના કારણે ઘણીવાર ઉગ્ર તકરારો થતી હોય છે. આ સંજોગોમાં અમ્યુકોએ જેટની ઝુંબેશમાં આ નવા કન્સેપ્ટને પણ સામેલ કર્યો હોઇ નાગરિકો તેની પ્રશંસા કરી રહ્યા છે અને તેની અસરકારક અમલવારી કરવા માંગ કરી રહ્યા છે. અમ્યુકોની જેટની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઇ રીક્ષામાં ફરી માત્ર આઠ કલાકની કામગીરીમાં  રૂ.૨૫ લાખ જેટલો આકરો દંડ વસૂલ્યો હતો અને પહેલાં જ દિવસે ધમાકેદાર રેકોર્ડ કરી નાંખ્યો હતો. જેટ ટીમની દંડની વસૂલાત જોઇએ તો, તેણે એક કલાકમાં રૂ.૩.૧૨ લાખ દંડ વસૂલ્યો અને પ્રતિ મિનિટ રૂ.૫૨૦૮નો દંડ વસૂલ્યો હતો. જેટની ટીમની ઇ રીક્ષા મારફતે ઝુંબેશની સાથે સાથે અમ્યુકોએ અખબારો અને સમાચાર માધ્યમોમાં પણ જાહેરાતો આપી લોકોને શહેરમાં ગંદકી નહી કરવા, શહેરને સ્વચ્છ રાખવા, આડેધડ કે અડચણરૂપ પાર્કિંગ નહી કરવા, ગેરકાયદે પોસ્ટરો નહી લગાવવા, લોકોના ઘરો કે સોસાયટીઓ આગળ વાહનો પાર્ક નહી કરવા, જાહેરમાં પેશાબ નહી કરવા, જાહેરમાં નહી થૂંકવા સહિતની બાબતોને લઇ ખાસ અનુરોધ કર્યો છે. હવે નાગરિકોની પણ આ ઝુંબેશમાં સાથ-સહકાર આપવાની અને આપણા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની નૈતિક જવાબદારી બને છે. જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ(જેટ)માં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ત્રણ અધિકારીઓ અને બે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ૪૮ વોર્ડમાં ઈ રિક્ષામાં ફરી સમગ્ર ઝુંબેશની કામગીરી કરી રહ્યાં છે. આજે સતત બીજા દિવસે જેટની ટીમ દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં આશ્રમ રોડ, ચાંદખેડા-વિસત રોડ, અંકુર ચાર રસ્તાથી ભાવિન હાઇસ્કૂલ રોડ સહિતના વિસ્તારોમાં, તો મધ્ય ઝોનમાં એફએસએલ ચાર રસ્તાથી રામેશ્વર ચાર રસ્તા, સિવિલ હોસ્પિટલ રોડ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ગોતા વોર્ડ અને ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં દંડનીય કાર્યવાહી કરાઈ છે.

(8:19 pm IST)
  • અમદાવાદના ખાનપુર ખાતે મહિલા કોંગ્રેસનો વિરોધ : ભાજપ ખાનપુર કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસે આવેદન પત્ર આપી અને બલરામ થાવાણીના રાજીનામાની કરી માંગ : બલરામ થાવાણીએ એક મહિલાને માર માર્યો હતો ત્યાર બાદ બંને પક્ષે સમાધાન થયેલ : આ બાબતે મહિલા કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યુ હતું access_time 6:17 pm IST

  • ગુજરાતમાં સૌપ્રથમ વાર અમદાવાદના મેયરે-મ્યુનિસીપલ કમિશ્નર ઉપયોગમાં લેશે ઇલેકટ્રીક કાર ટાટા કંપનીની ઇલેકટ્રીક કાર જેની કિંમત ૧૨ લાખની છે તેવી બે ઇલેકટ્રીક કાર અમદાવાદ કોર્પોરેશને ખરીદીઃ એક વખત ફુલ ચાર્જ થયા બાદ ૧૨૦ કિલોમીટર સુધી ચાલશેઃ મેયર અને કમીશ્નર આ ઇલેકટ્રીક કારનો ઉપયોગ કરશે access_time 3:59 pm IST

  • ઉત્તર પ્રદેશમાં ધૂળની ભારે આંધીઃ વિજળીનો આતંકઃ ૧૩ મોતઃ ર૧ ઘાયલ access_time 3:34 pm IST