Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

હીરાવાડીમાં રમત-રમતમાં કારમાં ઘૂસેલ બાળકનું મોત

કારનો દરવાજો લોક થતા ગૂંગળામણથી મોત : હીરાવાડીમાં બનેલો બનાવ વાલીઓ માટે બોધપાઠ સમાન કિસ્સો : પાર્ક કરેલી કારમાં બાળક ઘુસી જતા મોત નિપજ્યુ

અમદાવાદ,તા. ૭ :     અમદાવાદના બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં કારમાં ગૂંગળાઈ જવાથી પાંચ વર્ષના એક બાળકનું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પાંચ વર્ષનું બાળક રમતાં-રમતાં રસ્તા પાસે પાર્ક કરેલી એક કારમાં ઘૂસી ગયું હતું અને બાદમાં દરવાજો લોક થઈ જતાં શ્વાસ રૃંધાવાને કારણે બાળક બેભાન થઈ ગયુ હતું. સ્થાનિકોએ કારનો દરવાજો તોડી બાળકને બહાર કાઢ્યુ હતુ અને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ હોસ્પિટલના ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ પોતાના નાના બાળકોને ગમે તેમ રમવા મૂકી દેતાં વાલીઓ માટે બોધપાઠ સમાન છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના બાપુનગર પાસે આવેલ હીરાવાડી વિસ્તારમાં પાયલ પ્લાઝા પાસે છેલ્લા ૧૫ દિવસથી મરૂણ કલરની એક મારૂતિ એસ્ટીમ કાર પડી રહી હતી. ઘણા દિવસોથી પડી રહેલી આ કારમાં પાંચ વર્ષનો અક્ષય રમત રમતમાં કારની અંદર ઘૂસી ગયો હતો. પણ અંદર જતાં જ કારનો દરવાજો લોક થઈ ગયો હતો. પાંચ વર્ષના બાળકને દરવાજો ખોલતા નહી આવડતું હોઇ તે કારમાં જ ગૂંગળાવા માંડ્યો હતો અને છેવટે શ્વાસ રૃંધાવાના કારણે અને ગૂંગળાઇ જવાના લીધે તે બેભાન થઇ ગયો હતો. બીજીબાજુ, ઘણો સમય થયો હોવા છતાં અક્ષય ઘરે ન આવતાં તેનાં માતા-પિતાએ તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પાયલ પ્લાઝા પાસે કારમાં અક્ષય દેખાતાં તેઓએ કારનો દરવાજો તોડીને અક્ષયને બહાર કાઢ્યો હતો. પણ ત્યાં સુધી બહું મોડું થઈ ગયું હતું. તેઓ તાત્કાલિક અક્ષયને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

પણ ડોક્ટરોએ અક્ષયને મૃત જાહેર કર્યો હતો. નાના બાળક રમતાં હોય ત્યારે વાલીઓને કેટલું ધ્યાન રાખવું પડે તે બાબતનો આ પુરાવો છે. બાળક રમતાં રમતાં પોતાનો જીવ ગુમાવી શકે છે, એ વાતનું ધ્યાન બાળકને હોતું નથી. તેથી બાળક જ્યારે રમવા બહાર જતું હોય ત્યારે ઘરના વડીલોએ ખાસ તેમના પર ધ્યાન રાખવું જોઈએ. વાલીઓ માટે આ સમગ્ર બનાવ ચેતવણીરૂપ અને બોધપાઠ સમાન છે.

(10:40 pm IST)