Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

વડોદરાના અકોટા વિસ્તારમાં પુત્રને આપેલ મિલકત પરત મેળવવા વૃદ્ધા ત્રણ વર્ષથી નિરાશ થઈને ઓફિસથી પરત ફરતા ચકચાર

વડોદરા: શહેરના અકોટા વિસ્તારમાં રહેતા વયોવૃધ્ધ વિધવા રોજ સવારે પોતાના ઘરેથી આશા સાથે નીકળે છે અને કલેક્ટર કચેરીએ પહોંચે છે. પરંતુ ત્યાંથી નિરાશ થઇને પરત ફરે છે. આ વિધવાના જીવનનો છેલ્લા ૩ વર્ષથી આ ક્રમ બની ગયો છે પરંતુ ખંધુ સરકારી તંત્ર વિધવાની પીડા સમજવા તૈયાર નથી. હકિકત એવી છે કે આ વિધવાએ પુત્રમોહ વશ પોતાની તમામ મિલકત આજથી પાંચ વર્ષ પહેલા પુત્રને લખી આપી જે બાદ પુત્રએ માતાની સંભાળ નહી રાખતા માતા એ મિલકત પરત મેળવવા માટે વર્ષ ૨૦૧૬માં અરજી કરી હતી. પરંતુ હજુ સુધી તે અરજીનો કોઇ નીકાલ આવ્યો નથી અને આ દરમિયાન માતાએ આપેલી મિલકત પુત્રએ પોતાની પત્નીને નામે પણ ચઢાવી દીધી.

સિનિયર સિટીઝનોના અધિકાર માટે વર્ષ ૨૦૦૭માં તત્કાલીન સરકાર દ્વારા બનાવવામાં આવેલ 'ધ મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટ-૨૦૦૭' અંતર્ગત ગુજરાતમાં નોંધાયેલો આ પહેલો કેસ છે. જેમાં વડોદરામાં અકોટા વિસ્તારમાં ગાય સર્કલ પાસે રહેતા વસંતિકા શૈલેષ ભટ્ટ (ઉ.૭૩)એ વર્ષ ૨૦૧૬માં ધ મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ એક્ટ ટ્રિબ્યુનલ સમક્ષ પોતાનો કેસ દાખલ કર્યો હતો આ ટ્રિબ્યુનલના જજ જિલ્લા કલેક્ટર હોય છે એટલે આ કેસ કોઇ કોર્ટમાં નહી પરંતુ કલેક્ટર સમક્ષ ચાલે છે.

(5:25 pm IST)