Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પાટણના ડબલ મર્ડર પ્રકરણમાં ડો. કિન્નરી પટેલ પાસેથી ધતુરાના બીજ જપ્તઃ પરિવારના નિવેદનો લેવાયા

પાટણ, તા. ૭ : પાટણ શહેરમાં બનેલી ચકચારી ડબલ મર્ડર કેસમાં મૂળ સિદ્ધપુર તાલુકાના કલાણા ગામે રહેતા અને અમદાવાદમાં ધંધાર્થે સ્થાયી થયેલા પટેલ પરિવારની દીકરી કિન્નરી નરેન્દ્રભાઇ પટેલ જે પોતે ડેન્ટિસ્ટ ડોકટર તરીકે વ્યવસાય કરતી. તેણે પોતાના સગા ભાઇ જીગર પટેલ અને ભાઇની ૧૪ માસની દીકરી માહીને ઝેરી દવા આપી પ્રી પ્લાનીંગથી બંનેની હત્યા કરી દેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે તેમજ સગા ભાઇ અને તેની ૧૪ માસની દીકરીને મોતને ઘાટ ઉતારનાર હત્યારી બહેન ઉપર લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે અને આવી બહેનને કડકમાં કડક સજા થાય તો ભવિષ્યમાં અન્ય કોઇ વ્યકિત પણ પોતાના પરિવાર સાથે આવું કૃત્ય ન કરે તેવું ઇચ્છી રહ્યા છે.

પોલીસે યુવતી પાસેથી જપ્ત કરેલ ધતુરાના બીજ અંગે પૂછતાછ કરતા યુવતી ધતુરાના બીજ માતરવાડી નજીક એક સ્કૂલ પાસેથી લાવી હોવાની કબુલાત કરી છે. તેમજ માહીના મૃત્યુ સમયે જે કપડુ ઓઢાડવામાં આવ્યું હતું તે કપડુ પણ તપાસના કામે પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યું હતું.

સિદ્ધપુર ડીવાયએસપી ચંદ્રસિંહ એલ. સોલંકીએ ડબલ મર્ડર કેસ આ અગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેસની આરોપી ડોકટર કિન્નરી પટેલને પોતાના મોટાભાઇ જીગર પટેલ પરિવારમાં મળી રહેલા વધુ પડતા મહત્વના કારણે કિન્નરી પટેલને માનસિક અસંતોષ હોવાથી તેણે પોતાના સગા ભાઇ જીગર પટેલ અને તેની ૧૩ માસની માસૂમ દીકરી માહી જેરી પ્રવાહી પીવડાવી તેમની હત્યા કરતા આ બાબતની જાણ તેના પિતાને થતાં તેમણે કિન્નરી પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાવતા બી-ડીવીઝન પોલીસે કિન્નરી પટેલની ધરપકડ કરી છે તેમજ સમગ્ર ગુનાની ઘટના ચેૈઇન ઓફ ક્રાઇમ પૂર્ણ કરવા માટે આરોપી કિન્નરી પટેલ ૭ દિવસના રીમાન્ડ મંજૂર કરાયા છે.

પાટણમાં ડબલ મર્ડર કેસમાં ઝડપાયેલી ડો. કિન્નરી પટેલે પોતાના સગાભાઇ જીગર પટેલ અને તેની દિકરી માહીને તેમજ જીગરની પત્નીને ધતુરાના બીજને પાણી અને અન્ય પીણામાં પીવડાવતી હોવાની કબુલાત કરી છે તેમજ તેના ભાઇ અને ભત્રીજીને ઝેરી દવા પીવડાવતા તે મૃત્યુ પામ્યા હતાં તેવી કબુલાત પોલીસ સમક્ષ કરી છે ત્યારે તપાસ કરી રહેલ બી-ડીવીઝન પોલીસે કિન્નરીની પૂછતાછ દરમિયાન તે જે ધતુરાના બીજનો ઉપયોગ કરી રહી હતી તે બીજ પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યા હતા અને આરોપી કિન્નરી પટેલના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોના પોલીસ દ્વારા નિવેદન લઇ આગળની વધુ તપાસ ચાલી રહી છે તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

(1:26 pm IST)