Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

બ્રહ્માકુમારીના પૂ.સરલાદીદીનું દુઃખદ નિધન : સાંજે આબુમાં અંતિમવિધિ

૫ દાયકાઓથી બ્રહ્માકુમારીમાં સેવાઓ આપી સંસ્થાના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યુ હતું : પાર્થિવ દેહને દર્શનાર્થે રાખ્યા બાદ અંતિમવિધિ : દેશ - વિદેશમાંથી ભાવિકોની ઉપસ્થિતિ : સોમવારે સવારે અમદાવાદમાં અને સાંજે રાજકોટમાં શ્રદ્ધાંજલી સભા

યાદગાર સંભારણા : બ્રહ્માકુમારીઝના પૂ.સરલાદીદીનું દુઃખદ નિધન થયુ છે. ઉકત તસ્વીરોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ સ્વ. એ. પી. જે. અબ્દુલ કલામ, રાજયપાલ શ્રી કોહલીજી,, સ્વ.વાજપેયીજી તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે પૂ.સરલાદીદીના યાદગાર સંભારણા.

રાજકોટ : બ્રહ્મકુમારીના ગુજરાતના ડાયરેકટર રાજ યોગીની બ્રહ્માકુમારી પૂ. સરલાદીદીનું ગઈકાલે અમદાવાદમાં દુઃખદ નિધન થયુ હતું. તેઓનો પાર્થિવ દેહ આબુ લઈ જવામાં આવ્યો છે. ત્યાં પાર્થિવ દેહને દર્શનાર્થે રાખ્યા બાદ સાંજે અંતિમવિધિ કરવામાં આવશે. પૂ.સરલાદીદીની શ્રદ્ધાંજલી સભા આગામી સોમવારે અમદાવાદ અને રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. પૂ.દીદીનું દુઃખદ નિધન થતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શ્રદ્ધાંજલી અર્પી હતી. 

રાજયોગીની બ્રહ્માકુમારી પૂ.સરલાદીદીનો પાર્થિવદેહ ગઈકાલે અમદાવાદના કાંકરીયામાં આવેલ બ્રહ્માકુમારી ખાતે રાખવામાં આવેલ. આજે સવારે સદ્દગતના પાર્થિવ દેહને માઉન્ટ આબુના મુખ્ય કેન્દ્ર પાંડવહોમ ખાતે લઈ જવામાં આવેલ. જયાં દેશ-વિદેશમાંથી આવેલા ભાવિકોએ સદ્દગતને શ્રદ્ધાંજલી અર્પી હતી. ત્યારબાદ સાંજે ૪ વાગ્યે પૂ.સરલાદીદીની અંતિમવિધિ કરવામાં આવી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે સરલાદીદી બ્રહ્માકુમારીઝના માઉન્ટ આબુના મધ્યસ્થ સંચાલન સમિતિના સભ્ય હતા. તેઓ સાયન્ટીસ્ટ અને એન્જીનિયરીંગ વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષા હતા. તેઓને ઈન્ટરનેશનલ એસોસીએશન એજ્યુકેટર અને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માન પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત આર્યસમાજ ગાંધીધામ દ્વારા પણ તેઓને વિશેષ એવોર્ડ આપવામાં આવેલ. દેશના વડાપ્રધાનથી લઈ તમામ વર્ગના પ્રમુખ લોકોને તેઓ મળ્યા હતા.

પૂ. સરલાદીદીની શ્રદ્ધાંજલી સભા આગામી તા.૧૦ને સોમવારે સવારે ૮:૩૦ કલાકે અમદાવાદ ખાતે અને સાંજે ૫:૩૦ વાગ્યે રાજકોટ ખાતેના પંચશીલ સોસાયટીના હોલ ખાતે રાખવામાં આવેલ હોવાનું જણાવાયુ છે.

(3:50 pm IST)