Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ગુજરાતના બજેટમાં 'ફુલ' મોટા હશે પણ 'સુગંધ' નામની જ હશે

આવતા દોઢ વર્ષ સુધી રાજ્યવ્યાપી કોઈ ચૂંટણી નથી તેથી ધરખમ યોજનાઓ-રાહતોની સંભાવના નહિવત

રાજકોટ, તા. ૭ :. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બીજી જુલાઈથી શરૂ થનાર છે. નાણા વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ બજેટ રજુ કરનાર છે. આ વખતનું બજેટ ચૂંટણીના વર્ષો જેવુ આકર્ષક હશે કે કેમ ? તે સવાલ છે. સરકારના વર્તુળો ફુલના ઉદાહરણ દ્વારા ઈશારો કરે છે કે, ગુજરાતના બજેટમાં 'ફુલ' મોટા હશે કદના પ્રમાણમાં સુગંધ નહિ હોય.

સામાન્ય રીતે દર ફેબ્રુઆરી મહિનામાં આગળના નાણાકીય વર્ષનું બજેટ રજુ થતુ હોય છે. આ વર્ષે લોકસભાની ચૂંટણીની આચારસંહિતાને અનુલક્ષીને માત્ર ૪ મહિનાનું લેખાનુદાન રજુ કરવામાં આવેલ. પૂર્ણ બજેટ હવે પછી રજુ થશે. ગુજરાતમાં તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી નવેમ્બર ૨૦૨૦માં છે. ધારાસભાની ચૂંટણી ૨૦૨૨માં છે. ચાર-પાંચ ધારાસભા બેઠકોની પેટાચૂંટણી આવતા ૬ મહિનામાં આવવા પાત્ર છે. આગામી દોઢ વર્ષ સુધી રાજ્યવ્યાપી કોઈ ચૂંટણી નથી તેથી બજેટમાં ચૂંટણીલક્ષી મોટી રાહતો કે યોજનાઓની જાહેરાતની સંભાવના નહિવત છે. થોડો-ઘણો કરબોજ નાખવામાં આવે તો નવાઈ નહિં.

રાજ્યના બજેટમાં સામાન્ય રીતે ખેડૂતો, મહિલાઓ, વેપારીઓ કેન્દ્ર સ્થાને રહેતા હોય છે. ચૂંટણીના વર્ષમાં કોઈપણ સરકાર રાજકીય લાભ માટે ફુલગુલાબી બજેટ આપે તે સ્વભાવિક છે. નજીકના ભવિષ્યમાં સમગ્ર રાજ્યનો જનાદેશ લેવો પડે તેવી કોઈ ચૂંટણી નથી. રાજ્ય સરકારની આર્થિક સ્થિતિ પણ હરખાવા જેવી નથી. આ બધી બાબતો ધ્યાને રાખી બજેટમાં પરચુરણ યોજનાઓ જ જાહેર કરવામાં આવે તેવી ધારણા છે. બજેટના આંકડાઓ મોટા હશે પરંતુ લાભનુ પ્રમાણ વ્યાપક હશે કે કેમ ? તે તો બજેટ આવે ત્યારે જ ખ્યાલ આવશે.

(12:37 pm IST)